‘જય પીર’ બાપાની જાતરા

કલાકાર વાદ્યને પસંદ કરે એનાથી વધુ અગત્યનું છે કે વાદ્ય કલાકારને પસંદ કરે.

-ઝાકિર હુસેન

બાળકોનું મન ભીની દીવાલ જેવું છે.જેવું તમે દોરશો એવું દિવાલના બે દિવસના સુકાયા પછી કાયમી રહી જશે. – સુધા મૂર્તિ

 સફળતા વિદેશ પ્રવાસ જેવી છે. ત્યાં જઈએ એટલે ઘર યાદ આવે. સફળતાના શહેરમાં ફરીને પાછું આવી જવાય

– જોસુઆ ફેરિસ 

          સુવિચારો સુંદર હોય છે,મંતવ્યો અસરકારક હોય છે પરંતુ અનુભવો ધારી અસર ઉભી કરવા સક્ષમ હોય છે.

      ઉપરના ક્વોટ જયપુર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન સગા કાને સાંભળેલા અનુભવો છે. કલાક-સવા કલાકના સેશનમાં એટલે જ બેસવાનું હોય જેથી એમાંથી એક અમૂલ્ય વાત જડે. ઘણું જડ્યું. આ વાક્યો સ્થિર થઈ ગયા છે. એટલે મથાળે જ મુક્યા. જ્ઞાનની વાતો કરવાનો કોઈ મકસદ નથી નહીંતર એ પણ કરત. બહેતર છે એ જ્ઞાન મેળવવા તમે એ માહોલને રૂબરૂ થાવ. ત્યાંની યુવા વસ્તી અને એની મસ્તીને નરી આંખે જોવા ખર્ચાવ. માત્ર અહોભાવ કરવાથી કશું ન મળે. અને અફસોસ કરવો તો આપણી જીવનશૈલી છે. પણ હા,જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં તો જ જવું જો અંગ્રેજી સમજાતું હોય. 

       દિવ્યાંશ,કિશન અને હું અમે ત્રણેય અમુક નિર્ધારિત માનસિકતા સાથે જયપુર ગયા હતાં. વધુ નાણાકીય ખર્ચ ન થાય અને બિનજરૂરી એકપણ રૂપિયો ન ખર્ચાઈ એની શક્ય તેટલી વધુ કાળજી રખાઈ હતી. રાતવાસો કરવાના હેતુમાત્રથી ગુજરાતી સમાજમાં આશ્રય લીધો. ગુજરાતી સમાજમાં રહેવાનો સૌથી સારો ફાયદો એ રહ્યો કે લિટરેચર ફેસ્ટિવલનું વેન્યુ દિગ્ગી પેલેસ અહીંથી વોકિંગ ડિસ્ટન્સે હતું અને સાંજે સરસ મજાનું દેશી ગુજરાતી ભાણું મળતું હતું. (નવા સ્વાદ લેવાની સગવડ પરવડે તેમ નહોતી. )

       સવાર અલ્બર્ટ હોલના પહોળા રસ્તાઓ પર દોડીને,કસરત કરીને સેલિબ્રેટ થતી. અને લિટરેચર ફેસ્ટિવલનું પહેલું સેશન દરરોજ સંગીતના નામે રહેતું. વાયોલિન,પખવાજ,તબલાંગિટાર અને સૌથી વધુ દિલની કરીબ સિતાર જાન્યુઆરીના હૂંફાળા તડકા સાથે કાનોના કપમાં આસામી ચાયની જેમ પીરસાય. તનને તાજગી મળે અને મનને રાહત. સવારનું સંગીતમઢયું સેશન વણકહ્યું લેશન સાબિત થતું. પછી તો જેમ દિવસ આગળ વધે તેમ જુવાની ઠલવાતી જાય. ઢગલાબંધ જવાન જીવોની ઉપસ્થિતી ફેસ્ટિવલને સેલિબ્રેશન બનાવવાનું કામ કરતી. સૌ પોતાના મિજાજમાં મસ્ત હોય. અને છોકરીયું તો તૌબા….! છોકરાઓ વધુમાં વધુ દાઢી વધારે કે વાળની સ્ટાઇલ કરે પણ છોકરીઓના આઈ લાઈનર,લિપસ્ટિક,હેર સ્ટાઇલ અને સારા લાગે કે ન લાગે પણ ટ્રેન્ડમાં હોય એવા ડ્રેસિંગના સતત ચાર દિવસના દર્શનો મને એ કહેવાની છૂટ આપે છે કે સુંદરતાની બાબતમાં યુવાનો યુવતીઓ કરતા વધુ સહજ અને સુંદર થતાં જાય છે. રામ જાણે આ લોકોને કોણ કહેતું હશે કે મેકઅપ કર્યા વિના એન્ટ્રી નહીં મળે. અને જે વધુ મેકઅપ કરશે એને ગમતી સેલિબ્રિટી સાથે વાઉ વાઉ કરીને એક સેલ્ફી ખેંચવાનો મોકો આપવામાં આવશે. રીતસર મેકઅપના થથેડા હોય. ક્લોઝ અપ સીન જોવા મળે એટલે પત્યું. ખેંચાણ ખતમ થઈ જાય. ચુંબકની જેમ ખેંચાયા હોઈએ અને પથ્થરની જેમ દૂર  ફેંકાઈ જવાય. કેમેરાનું ઇઝી અવેલેબલ હોવું આવી દેખાડાની સુંદરતાનો મનોરોગ વધારી રહ્યું છે. ચોક્કસ,આ ઉંમરે જ આવી મસ્તી હોય,પણ આ એક પ્રકારની સેલ્ફ ઓબ્સેસ્ડ કરનારી મનોવૃત્તિ છે.

      જયપુર લિટરેચર ફેસ્ટિવલ સાહિત્ય સિવાયના ઘણાં પાસાઓ પર કામ કરતું આયોજન છે. એનું ઓડિયન્સ અલગ છે. એની પહોંચ અલગ છે. માટે જ એના વિષયો અલગ છે. એના વક્તાઓ ઇન્ટરનેશનલ છે. હાવારંવાર એક ઉણપ વર્તાતી રહી કે વક્તા ગમે તેટલો પાવરફુલ હોય જો એ સેશનનો સંચાલક નબળો હોય તો સર્જકના તળિયેથી ખોદકામ થતું નથી. કશું નવું બહાર આવતું નથી. બધી સામાન્ય અને રોજિંદી વાતો બહાર આવે છે. જે સરવાળે કશી કામની હોતી નથી. અનુરાગ કશ્યપ,વિશાલ ભારદ્વાજ અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા જાણીતા અને અન્ય ખૂબ નામાંકિત પણ પહેલી જ વાર ધ્યાને આવેલા ઘણાં વકતાઓના સેશનમાં આ બાબત ખૂબ નડી. એમના જવાબો એવું અનુમાન કરવા મજબૂત રીતે  મજબૂર કરે કે જો સંચાલક પાવરધો હોત તો આ વ્યક્તિના તબક્કેથી કલા તરફના દ્રષ્ટિકોણના બહેતરીન રસ્તાઓ મળી શક્યા હોત. 

      બિલકુલ આંકડાઓથી રમી શકાય એવું કલાઈમેટ ચેન્જ પરનું એક સેશન હતું. જેમાં જેફરી જીટલમેન કે જેઓ પુલિત્ઝર પ્રાઇઝ વિનર છે એમણે ભારતની કરંટ સરકારની કલાઈમેટલક્ષી નિષ્ક્રિયતા પર સપ્રમાણ વાતો મૂકી અને એ જ પેનલના અન્ય વક્તા પ્રેરણાસિંઘ બિન્દ્રા  કે જેઓ ભારતીય વન્યજીવન નિગમના સભ્ય અને વન્યજીવન પર કામ કરતાં લેખક છે તેઓએ દિલ્હીના પ્રદુષણથી લઈને,ભારત અને વિશ્વના હવામાન પર હકીકતલક્ષી અહેવાલ આપ્યો. આ ઉદાહરણ આપવાનું કારણ માત્ર એટલું જ કે તેઓ બમણા ફૂંકનારા વક્તાઓ નહોતા. મૂળભૂત રીતે અભ્યાસુ જીવ હતાં. ઉકેલલક્ષી એટિટ્યુડ ધરાવતાં હતાં. અને પોતાના દાયિત્વને બરાબર સમજતાં હતાં.અને અહીં આપણે ત્યાં તેનો સદંતર અભાવ ધ્યાને આવે છે. ગમે તે માણસ,ગમે તે વિષય પર,ગમે તે મંચ પરથી,ગમે તેવી વાતો ફેંકે અને ઓડિયન્સ ઘેલી થઈને સાંભળી લે છે. એ વિચાર્યા વિના કે આ આખી એક કલાકના અંતે એક શ્રોતા તરીકે મને સમાધાન શું મળ્યું અને આપણા વક્તાઓ પણ બેફામ વધુ અને વિષયલક્ષી ઓછા હોય છે. આ નવી શીખવા મળેલી તુલનાઓ છે. તમને અહંકાર લાગે તો એ તમારો પ્રશ્ન છે. 

     IMG_5428

        ફોટા ખેંચવા અને શેર કરવા એ મારો શોખ છે. મારી ગમતી પ્રવૃત્તિ છે. એ દેખાડો બિલકુલ નથી એ ધ્યાને લેવું. દિલ્હીનું જશ્ન-એ-રેખ્તા હોય કે જયપુરનો લિટરેચર ફેસ્ટિવલ…..આવા આયોજનોમાં જવાના મારા હેતુઓ સ્પષ્ટ છે. ભાષા પર ભપકાદાર લખાણો કરવાથી તમે શ્રેષ્ઠ સાબિત નથી થઈ જતાં. તમને પાંચ હજાર માણસો ઓળખે એનાથી તમે લોકપ્રિય સાબિત નથી થઈ જતાં. એક અર્થમાં સફળ હોવા છતાં હજુ કેટલી સફર કરવાની બાકી છે એનો હિસાબ માંડવા આવા આયોજનોમાં જવું જરૂરી છે. દુનિયાનું સાહિત્ય અને દેશનું યુવાધન કયા પ્રકારે બદલી રહ્યું છે એ જોવા અને સમજવા આવા આયોજનોમાં જવું જરૂરી છે. કેટલું જાહેર થવું એ અંગેના વર્તુળના રેખાંકનો આપણે જાતે નક્કી કરવાના હોય છે. અને કયા મિજાજથી અમર્યાદિત થવું એની સમજ પણ જાતે નક્કી કરવાની હોય છે. એના દિશાસૂચન ઘણીવાર આવા કાર્યક્રમોવતી ધ્યાને આવતાં સર્જકો કરતા હોય છે. બારીક કામ છે. રેશમના ધાગે અતૂટ વસ્ત્ર બનાવવાનું કામ છે. 

    બાકી સેલિબ્રિટીઝ તો હોય હવે. સ્ટેજ પર આવે. એને રૂબરૂ જોઈને શરીરમાં ધસમસતુ લોહી ગરમ થાય. મજા આવે. પણ મુદ્દો એ નથી કે સેલિબ્રિટીથી રૂબરૂ થવાયું. મુદ્દો છે એ સેલિબ્રિટી સ્ટેજ પર કયા ઢંગથી પહોંચી છે એ સફરને જાણવી,સમજવી અને એમાંથી વ્યક્તિગત ક્ષમતા મુજબની શીખ લેવી. કહ્યું ને….બારીક કામ છે. અમે બહુ પ્રતિષ્ઠિત લેખકો અને સેલિબ્રિટીના સેશન અધવચ્ચે છોડયા છે. ગપગોળા કરતાં હોય એની પાછળ સમય બરબાદ  કરવાનો કોઈ અર્થ નથી. પછી એ શોભા ડે કેમ ન હોય ! અને ઘણાં તદ્દન અપરિચિત વકતાઓને દિલથી સાંભળ્યા છે,કારણ કે એ સ્પોન્ટેનીયસ હતાં.સહજ હતાં.જેવું એ સહી માયને મે માનતા હોય એવું જ જતાવતા હતાં. શ્રોતાઓને ગુમરાહ કરવા એ ગુંડાગીરી જેવું જ અમાનવીય કૃત્ય છે. 

       મને લાગે છે કે આવી મુલાકાતો પૂર્ણ થયાં બાદ જ શરૂ થતી હોય છેઆ એક નાનકડો છતાં સુંદર ગર્ભિત શુભારંભ છે એવું હું અનુભવી રહ્યો છું. આમેરનો કિલ્લો યાદ આવે છે. સામેની રાંગેથી એક તોપ ફૂટી છે અને મારી અંદરની અમુક નબળી માન્યતાઓની દિવાલોના ફૂરચા ઉડ્યાં છે. ભીતરના ભવનમાં ભણતો વિધ્યાર્થી સહેજ હોંશિયાર થયો છે. એ સ્પર્ધાથી આગળ નથી વધી રહ્યો પણ એને લાગે છે કે એ જે સ્કુલમાં ભણી રહ્યો છે એમાં મોટાભાગના વિધ્યાર્થીઓ ઠોઠ છે. દાંડ છે. કામચોર અને બરતરફીને પાત્ર છે.

      આટલું જતાવ્યા પછી પણ એ સત્ય મારે છેલ્લે કહેવું જ રહ્યું કે ચાર દિવસના અખંડ યજ્ઞમાંથી મેં ધુપેલીયામાં સમાય એટલાં જ અંગારા અહીં વેર્યા છે.

 

વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે ફેસબુકના નીચે જણાવેલ સરનામે આંટો મારવો.

JLF- ‘018 Images

Advertisements

” માનસ પંચાગ્નિ “ની પરિકમ્મા

20170617164433_IMG_0685એવો મનોરથ ખરો કે પંચગીની ખાતેની પૂજ્ય-પ્રિય અને હર્દયસ્થ મોરારિબાપુની રામકથાને પ્રત્યક્ષ સાંભળું. પણ નોકરી નામની કિલ્લેબંધી કાયમ સિન્ડ્રેલાની જિંદગીની જેમ બાંધી રાખે. હું એક અર્થમાં એટલો ભાગ્યશાળી છું કે આ કિલ્લેબંધી મને અન્યોની જેમ બાંધે છે પણ ઊડવાનો અવકાશ પણ આપે છે. મુંબઇ સ્થિત દોસ્ત હાર્દિક વસોયા જે મારા માટે ‘લસરકા’ છે એની જોડે થોડું આયોજન થયું અને કથા સ્વયં રસ્તા કરતી ગઇ અને અમે છ જણ ( લસરકા-પાર્થ-મિસિસ પાર્થ કિંજલ-દિવ્યાંશ-બિપીન બી.એમ.બી. અને હું) પંચગીનીની રામકથા ‘માનસ પંચાગ્નિ’ ના આખરી બે દિવસની કથાનું રસપાન કરવા મુુંબઈથી નીકળી  પડ્યાં.

મુંબઇ :

મુંબઇથી રાતની એ.સી. સ્લીપર કોચ બસ હતી. જતાં અગાઉ બાંન્દ્રા બેન્ડ સ્ટેન્ડ સામે શાહરૂખખાનના ‘મન્નત’ પાસે ગયાં. અફ કોર્સ ફોટાં ખેંચાવ્યાં અને સલમાનભાઇનું ઘર પણ જોયું. ઘડીક દિલમાં ‘ઓહોહો…ઓહોહો’ થયું પછી સમંદરની પાળીએ સૌ બેઠાં. એકદમ ટાઈટ હગ કરતાં,એકબીજાંના હોઠને આઇસ્ક્રીમની જેમ મમળાવતાં અને આમ બે પણ દૂરથી એક જ દેહ સમા લાગતાં કપલ્સને જોઇ મારો ‘મહોબ્બતી’ જીવ મનોમન ભારે હરખાયો.IMG_20170616_214505

Over to Panchgini

સવારે આંખ ઊઘડી તો બારીની આરપાર જોયું કે કેસરી થવા મથતાં બ્રહ્મમુર્હૂતના આસામનની સાક્ષીએ  જોર કરીને ચાલતી બસ પર પહાડોના માથા મંડરાઇ રહ્યાં છે.ઊંઘથી ઘેરાતી નજર બહાર કરી. સવાર આહલાદ્ક અને મોસમ ખુશનૂમા હતી.પહાડો પર ઊછરતાં અને રખડતાં વાદળાઓનો સ્કીન કલર અલગ હોય છે. ધવલ અને સ્વચ્છ હોય છે. બસ સર્પાકારે ચાલતી હતી અને મનના મલકમાં રોમાંચક વલયોનું નિર્માણ થતું હતું. આંખ આપમેળે બંધ થઇ ગઇ. ખુલી ત્યારે પંચગીની આવ્યાંની બસના ક્લિનરની બૂમ સંભળાઇ.

બસમાંથી ઉતરીને રૂમ શોધવાની જહેમત કરી. મેળ નહોતો પડતો. અને કથા શરૂ થાય એ પહેલાં તૈયાર થઇને પહોંચી જવું વિશેષ જરૂરી હતું. લસરકાએ અમુક તુક્કા લડાવ્યાં. કથાસ્થળે પહોંચ્યા. વારાફરતી બ્રશ કર્યા.  બેગ્સ લઇને બધાં ઊભા ત્યાં એક જણ આંગળી ચીંધ્યાનું પૂણ્ય કમાવા આવ્યો અને અમને જાણકારી આપી કે અહીં શ્રોતાઓ માટે એક હોલ રાખવમાં આવ્યો છે. હું ને લસરકા સ્થળ તપાસ અર્થે ગયા. જગ્યા અમને સાચવી શકે તેવી લાગી. ટોળું ત્યા શિફ્ટ થયું અને રામકથાના આયોજનના ભાગરૂપે ગોઠવાયેલી શ્રોતાઓ માટેની વ્યવસ્થાનો લાભ લીધો. એવરેજ ૬૦ વર્ષ ઉપરની ઉંમરના આશરે બસોથી વધુ જણને સંઘરીને બેઠેલાં એ હોલમાં છ જુવાન શરીરોએ આશરો લીધો.

રામકથા વિષે મારી કલ્પના બહાર લખી શકવાનો મને આત્મવિશ્વાસ અને અનુભવ છે. પણ હું નહીં લખું. શા માટે ? જવાબ છે આ વિષયે કોઇપણ લેખિત નિવેદન આપવાનો હજુ સમય નથી પાક્યો- એવું મને મારા તબક્કે લાગે છે.

મહાબળેશ્વર 

IMG_20170617_162716
તીરની માફક  આરપાર ઊતરી ગયેલો નજારો 

બપોરબાદ મહાબળેશ્વર જવા બે ટેક્સી ભાડે કરી. એલીફન્ટ્સ  હેડ પોઇન્ટ  પર પહોંચ્યા ત્યારે નજરે આવેલાં દ્રશ્યએ એક થડકારો છીનવી લીધો. સૌંદર્ય આકર્ષક હોય છે. મદહોશી અને ખેંચાણ સૌંદર્યના સ્વભાવમાં હોય. કુદરતનો કોઇ દિલકશ નઝારો જોઇને  દિલ ડોલે નહીં તો સમજવું આપણે હજુ ક્યાંક માણસ તરીકે કાચા છીએ. મારી આંખો સામે પહાડીઓ હતી. સમીસાંજનું સોનું વરસાવતું આસમાન હતું. એક નદી હતી જુવાન. અને એને કાંઠે ઊછરતું ચાલીસેક મકાન ધરાવતું એક ગામ હતું. મુસાફરી કરતાં હોઇએ અને રેન્ડમલી નજર ફેંકાતી હોય એમ અહીં અલગ અલગ વિસ્તારોમાં એકાદ બે મકાનો ધ્યાને આવતાં હતાં. વિચારવા જેવું છે અહીંના રહેવાસીઓનું જીવન કેવું હશે ! વાદળાંઓની ધૂમ્રસેરો એનાં ઘરના નળીયે ટહૂકા કરવા આવતી હશે ત્યારે આંગણે રંગોળીની જેમ રચાતું દ્રશ્ય રમેશ પારેખની ‘સોનલ’ પર લખાયેલી કોઇ કવિતા જેવું હશે, નિ:શંક ! અને નદીમાં પૂર આવતું હશે ત્યારે ધોવાઇ જતી જમીન અને પ્રહાર કરતાં વરસાદથી વિંખાઇ જતો એમનો જીવનવ્યવહાર વેદનાભર્યો બની જતો હશે એ પણ વિચારવું રહ્યું. આપણા માટે જે સૌદર્ય છે એ એમનાં માટે પરિસ્થિતી છે.20170617161930_IMG_0576

ઝરમર વરસાદ શરૂ થયો. અમે એનો રોમેન્ટિક આનંદ લીધો. મજા આવતી હતી. સંગત કાયદેસર સ-રસ હતી. છ એ છ જણ ભીતરથી છલકાયેલાં હતાં. વાદળાં જોવા નજર ઊંચી કરવી પડે એમ નહોતી. વાદળાંઓની વચ્ચે અમારા સૌના શરીરો હતાં. લાગે કે વરસાર વરસે છે પણ ના……અમે પોતે જ વરસાદના ઘરમાં હતાં. વાદળા અમારી અને અમે વાદળાઓની આરપાર હતાં. ક્રિષ્નાબાઇ મંદિરની આસપાસ અંધારું વધતું જતું હતું અને વરસાદ પણ. છેવટે તદ્દન નીરસ અને નામ જેવો એકપણ ગુણ ન ધરાવતાં ડ્રાઇવર શંકર નો કોલ આવવાથી અમે પંચગીની પરત ફર્યા.

IMG_20170617_175237
મહાબળેશ્વર પ્રાચીન મંદિર

રાતવાસો 

અમને કોઇ નડતાં નહોતા. પણ અમારે સહેજ વધુ શાંત જગા જોઇતી હતી. ખબર પડી કે આ હોલની ઉપર બીજો એક નાનો હોલ છે. ત્યાં મેળ પડે તો અમે મહેફિલ જમાવી શકીએ. અહીં પણ સ્થળતપાસ માટે હું ને લસરકા જ હતાં 😀  એ હોલનો રક્ષક ચિડીયાઘરના ગધાપ્રસાદની કાર્બન કોપી ! સ્માઇલ આપે,અનુમતિ ન આપે. માંડ માન્યો. ૨૦ ડીગ્રી મસ્ત તાપમાનમાં ગાદલાં પાથરી અમે ગોઠવાયાં. અમારી આસપાસના તમામ ગાદલાંઓ પર ધર્મ અને ઇશ્વર પર ગંભીર ચર્ચાઓ ચાલતી હતી. ભૂલથીયે સાંભળી લઇએ તો આ શરીર ત્યજીને જીવતી સમાધિ લઇ લેવાનું મન થઇ જાય એ કક્ષાનું ચિંતન અમારી ફરતે ફેંકાતું હતું. અમે પ્રયત્નપૂર્વક એ સૌને સુવડાવ્યાં એવું કહેવામાં મને અતિશયોક્તિ નથી લાગતી. 😀 😀

20170618082401_IMG_0894
રેનબસેરા

સુપરત

બીજાં દિવસની કથાનું રસપાન કરી વાયા મહાબળેશ્વર થઇને જવું કે પૂણે…. એ કશ્મકશમાં ડામાડોળ થઇ છેવટે પૂણેનો જ રસ્તો પકડ્યો. મહારાષ્ટ્ર સરકારની એસ.ટી.બસમાં એયને છેલ્લી સીટોમાં પડ્યાં પડ્યાં મૌજ કરતાં કરતાં,વાતો કરતાં કરતાં નીકળ્યાં. વચ્ચે ખંડાલા આવ્યું. બસમાંથી જોયું. દિવ્યાંશે કહ્યું કે ‘આતી ક્યાં ખંડલા… ? ’ સાંભળતી વખતે કલ્પના નહોતી કે આ રીતે ખંડાલા જોઇશું ! 😀 ‘ મુંબઇ ઊતરીને જમીને રાતની ૦૦:૦૫ ની દહેરાદૂન એક્સપ્રેસમાં સુરત !

દોસ્ત પાર્થ સાથે મેસેજ અને ફોનમાં વાતો થતી. રૂબરૂ આ ટ્રીપ દરમિયાન થયાં. કોઇપણ વાતમાંથી સહજ હાસ્ય શોધવાનું એનું હુન્નર ગજબ છે. એની હસવાની સ્ટાઇલ યાદ કરીને હજુ પણ હસવું આવી જાય છે. પાર્થ અને કિંજલ A talkative boy and a silent girl makes a perfect marriage life ના ન્યાયે સ-રસ જીવે છે. એના દાંમ્પત્યમાં ધબકતી દોસ્તી મને ગમી.ભાઇ બિપીન બી.બી.એમ.( આ એનું ફેસબુકના ઓળખપત્ર પરનું નામ છે)એ તમામ ફોટામાં જે અલ-કાયદા લૂક આપ્યો છે એ માટે એને લાંબાગાળા સુધી ફરજિયાત યાદ કરવા પડશે.  :p દિવ્યાંશે મને કહ્યું હતું…આપણી આસપાસના લોકોમાંથી કેટલું શીખવા જેવું હોય છે !

20170618084537_IMG_0937
જમણેથી દિવ્યાંશ,કિંજલ,પાર્થ,બિપીન બીબીએમ,લસરકા અને હું

હા, આ તમામ દોસ્તોએ મને એક યાદગાર અને યુવાન સંભારણું આપ્યું છે.સૌ પોતપોતાની સૂઝથી કંઇક નવું કરવાના જાગૃત પ્રયાસમાં છે. આયોજન વિનાનું જીવન ચોક્કસ અસ્તવ્યસ્ત હોય છે, પણ વિશેષ સાહજિક હોય છે એ એથીયે વધુ ચોક્કસ વાત છે-એવાં મારા અનેક અનુભવોમાં આ ટ્રીપનો એક અનુભવ ઉમેરાયો. જવાનું નક્કી હતું. બાકી જે થયું તે ઑન ધી સ્પોટ થયું. માટે જ મજા વધુ આવી. આનંદ વધુ કર્યો. આના સ્મરણો લાંબું  જીવશે. અને એકબીજાં પ્રત્યેની પ્રિતી વધુ મજબૂત બનશે.

આખરી વાત :

આ સહજ મૌજનું માધ્યમ બાપુની રામકથા હતી. એ વિચાર જ્યારે પણ આવે છે હું વ્યક્તિ મટી એક વ્યક્તિ વિશેષના સ્મરણમાં ગૂમ થઇ જાઉં છું.       

   

20170617163633_IMG_0656
Elephant’s head point
20170617191149_IMG_0792
સાંજને મળવા આવતાં વાદળાં