!! રંગરસિયા !!

હવસના હાડકાંઓથી બનેલા અને આંખોમાં ધર્મના નામનો મેલો પટ્ટો બાંધીને ગામની ગલી-ગલીમાં ભસતાં કૂતરાઓની સામે કળા કરતા રંગીન મોર જેવું મુવી !

rang-rasiya_141524706450.jpg

આ દેશમાં રામના નામે ધંધા કરતા વેપારીઓની કોઇ કમી નથી. ચાહે તે અયોધ્યા રામમંદિરનો ઇસ્યુ હોય કે ગોકુલ-મથુરા-શ્રીનાથજીમાં પૂજા-અર્ચનાના નામે થતી લૂંટ હોય….! લોકોને લંપટ અને કારનામા કરનારા લોકોનું જ હંમેશા આકર્ષણ રહ્યું છે.લાખોની ભીડમાં મંદિરના પરિસરના કોઇ ખુણે હરિ ભજતો ખરો સાધુડો કોઇના ધ્યાને નથી આવતો. ઇનફેક્ટ કોઇને ધ્યાને લેવો જ નથી હોતો. પણ એ એની મસ્તી,એની ધૂન,એનો મિજાજ અને એની રવાનગી છોડતો નથી. કલાના ખરા ઉપાસકની આ પ્રકૃતિ છે. એને લોકચાહનાનો ખપ છે પણ એને લોકપ્રશંસાની જાજી દરકાર નથી હોતી. 

હિંદુસ્તાન કામસુત્ર જેવી બેમિસાલ કિતાબ લખી શકનારા વાત્સાયનને જન્મ આપનારો અને દરરોજ શૃંગારના શ્રેષ્ઠ સ્વામી ક્રિષ્ણને એની મહેબુબા રાધાસંગ પુજનારો દેશ છે. અને છતાં અહીં શ્રુંગારની ચર્ચા છડેચોક કરી શકાતી નથી. અહીં દિકરાને લગ્ન પછી અલગ બેડરૂમ અપાય છે પણ ડ્રોઇંગરૂમમાં ચુંબનની જનરલ વાત કરી શકાતી નથી. સુહાગરાત પહેલાં દૂધના કટોરા અને કાજુ બદામના બોક્સ  મુકતા અને વારસદાર માટે માનતાઓની માથાકૂટ કરતાં આ દેશને પેઢી આગળ વધે એ માટે લગ્ન કરાવવાની ભારે તલપ છે પણ એ માટે અનિવાર્ય એવા માનસિક એકાંતનો માહોલ પુરો પાડવામાં મુશ્કેલી પડે છે.

શ્રુંગાર વિના સર્જન શક્ય નથી. આપણે નવા કલાકારો જોઇએ છે,સર્જકો જોઇએ છે પણ એ બધા જ પરંપરાગત રિવાજોને પંપાળે એવી આપણી નામર્દ ફરમાઇશ હોય છે. શ્રુંગારનો સુરજ અડે નહિ તો સર્જન ખીલે જ નહિ….અને રખેને ખીલી પણ જાય તો એ અધુરા માસે જન્મેલા બાળકની જેમ જાજું ટકતું પણ નથી.

રંગરસિયા કહેવાતાં ધર્મધુરંધરોના ચહેરા પર પડેલો ગુલાબી તમાચો છે. અને કલાને સમજનારા મૌલિક ઉપાસકોને ઘાટા કાળા રંગે લખાયેલી નોટીસ છે કે ‘નવું કરશો તો સજા તો મળશે જ !’ ફિલ્મની એની નબળાઇઓ પણ છે….પણ એ નજરઅંદાઝ છે,કારણ કે ટિપિકલ બીકીનીઓ અને બ્રાઓની વચ્ચે કોઇકે તો સાડીના સૌંદર્ય અને સ્ત્રીના શરીરના લાવણ્યનું રંગીન મેઘધનુષ તો ખોલ્યું !! દરેક ફિલ્મમાં ૨૦-૨૫ ગાડીઓ જેમની તેમ ઉડે અને ઓડિયન્સમાં મગજને બદલે બાફેલું બટેટું હોય એમ સમજીને દિમાગ વિનાની ચોરી અને મારફાડ બતાવતી ફિલ્મો વચ્ચે રંગરસિયા હુંફાળી ફૂંક મારીને ગલગલીયા નહિ પણ ગમતી ઝણઝણાટી મહેસુસ કરાવતું મુવી છે.અહી બંદુકો નથી ફૂટતી અને કોઇ વિલનની કમ્મર પણ નથી તૂટતી. અહીં આંખોથી મુસ્કુરાહટ લુંટતી સ્ત્રીત્વની અદભૂત આરાધના છે, માનવીય આવેગોને પીંછીના ટેરવે રમતું મુકવાની એક ચિત્રકારની ઘેલછાનું પ્રતિબિંબ છે અને વર્ષો જુની એ જ પરોક્ષ દલીલ છે કે શરીરના સૌંદર્યને અને અંગોના આકારોને સર્જનમાં સીંચવાની કલાકારની અંગત સૂઝ સામે આટલો બધો દેકારો કેમ છે?

Rang Rasiya Official TrailerAdvertisements