અસ્મિતાપર્વ = ધન્યતા

ધન્યતા એટલે નિતાંત રાહત. ઘણો જ ગેરવલ્લે થયેલો શબ્દ છે ધન્યતા. અમસ્તી વાતમાં વેડફાઈ જતો શબ્દ છે ધન્યતા.

આંખે મેઘધનુષ આંજીને જિંદગી જોવાનો અભિગમ રાખ્યો છે એટલે જિંદગી વ્યવહારિક ઢબે અનેક સુંદર અનુભવો આપી રહી છે. ગામડે જીવાયેલું શૈશવ,સોમનાથ મહાદેવની પનાહમાં સ્થિત વેરાવળમાં જીવેલી તરૂણાઈ,ગિરનારની અધ્યાત્મભીની ભોમકામાં પાંગરેલો કોલેજકાળ,ઉર્જાવંત અમદાવાદમાં કોરાયલી જવાની અને વ્યવસાયિક અનુભવો આપતાં ગાંધીનગરના આ પુખ્ત દિવસો. સૌ પડાવને એની ગરિમા છે,એનો મિજાજ અને સુગંધ છે. સૌની પોતાની અસર અને ઓળખાણ છે. પણ વ્હાલા મોરારિબાપુના કૈલાસીમુખે વહેતી રામકથાના દિવસો અને અસ્મિતાપર્વના દિવસો મારી જિંદગીના ધન્યતાના દિવસો છે. ધન્યતા એટલે બધું જ. સુખ,શાંતિ,આરામ,પીડા,સગવડ,ઐશ્વર્ય,હરખ,જ્ઞાન, ભક્તિ,ક્ષિતિજ, પવિત્રતા. સઘળું….!

પાંચ વર્ષ પહેલાં પહેલી વખત અસ્મિતાપર્વમાં ગયો હતો. કોઈએ ચીંધ્યું નહોતું. સાહિત્યમાં એ કક્ષાની રુચિ પણ નહીં કે ક્યારેય ન જોયેલા અને ન જાણેલા વિસ્તારમાં એકલો આમ જઈ પહોંચું. પણ શાયદ એ ‘એનું’ આમંત્રણ હતું. ‘એણે’ જ બોલાવ્યો હશે. દેખાડાની નહીં પણ દિવ્યતાથી લથબથ ભૂમિ પર ઓચિંતાનું જ પહોંચાતું હોય છે. એના પ્લાન ન હોય. પ્લાનથી પીકનીક થાય, જાતરા અનપ્લાન્ડ હોય છે. તમારી વૃત્તિની જેટલી નિર્મળતા વધુ એટલી ત્યાં પહોંચવાની સંભાવના વધુ. તમારા દામનમાં જેટલી એની કૃપા વધુ,એટલી જ પરમ પ્રાસાદિક ક્ષણો મળવાની શક્યતાઓ વધુ. આ મને પાંચ વર્ષથી લાભ મળે છે એટલે આત્મશ્લાઘાના સંદર્ભે નથી કહેતો, આ જ નિયમ છે. નહીંતર અહીં કોને ખબર પડતી હતી સિતાર એટલે શું ? સંતુર કેમ વાગે ? કથક અને ભરતનાટ્યમ,તબલાં અને પખવાજ, વાંસળી અને શરણાઈ,શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત વચ્ચેના શાલીન ભેદો નહીંતર કોણ જાણે ક્યારે સમજાત ! બધી જ અસ્મિતાપર્વની દેન છે,એ એક ભાવક તરીકે મારે કબુલવું જ રહ્યું.

અહીં સૌને આવવાનો હરખ થાય છે. બાપુના પાવન સાંનિધ્યનો અનુભવ કૈલાસ ગુરુકુળના રમણીય પરિસરમાં કંઈક વિશેષ હોય છે. મને વ્યક્તિગત કોઈ પૂછે તો હું કહું કે મને ૠષિકેશની ગંગા અને માલણ નદીના કિનારે શ્વસતાં કૈલાસ ગુરુકુળની હવામાં કોઈ ફરક નથી અનુભવાતો. આ મારો ભાવ છે અને અનુભવ પણ ! અહીં આવીને સમજાય છે કે આપણે હજુ સમાનતાને બરાબર સમજી નથી શક્યાં. હજુ આપણે એટલા જાગ્યા જ નથી કે આયોજન અને વ્યવસ્થાનું મૂળભૂત સ્વરૂપ આપણે જોઈ શકીએ. આયોજન અને વ્યવસ્થા થઈ ન શકે,કોઈ કરે છે. કોઈ સાચવે છે. અહીં બધું જ કોઈ ત્રીજું જ તત્ત્વ નક્કી કરે છે. તમને અને મને આવે છે એ વિચાર છે,એનું પ્રાગટય થાય એ ક્ષણે જ આયોજન અને વ્યવસ્થા નિશ્ચિત થઈ ચૂકી હોય છે. પછીનું સ્ટેપ તો નિશ્ચિન્ત થવાનું હોય છે. પણ ત્યારે આપણે બુદ્ધિના ડબલા ખોલીએ. આમ કરીએ તો સારું અને આમ તો ન જ કરાય ના મનઘડત દેકારા કરીએ. છેવટે આપણે એવો પ્રસંગ સંપન્ન કરીએ છીએ જેમાં બીજા જણાવે કે જમવાનું સારું હતું,જગા સારી હતી,આ ખરાબ હતું અને પેલું અમને ખૂબ ગમેલું. તમને પોતાને એવો સવાલ થતો જ નથી કે આ મારો જ પ્રસંગ હતો પણ મને કેટલી અને કેવી પ્રસન્નતા સાંપડી ? આ એક નિષ્ફળ પ્રસંગ હોય છે એ તમે તમારા અહંકારને લીધે સ્વીકારી નથી શકતા. અસ્મિતાપર્વના દિવસો અંદરથી પ્રમાણો જગાડતો અવસર છે કે મને આટલી મજા અને પ્રસન્નતા અગાઉ ક્યારેય નથી મળી ! બુદ્ધિશાળીઓને આ નહીં સમજાય. આ સમજવા બધી લમણાંઝીંક તડકે મૂકી બાપુની શીતળ છાયામાં પલાંઠી વાળીને બેસવું પડે. કૈલાસની હવાને પ્રવેશવા કાળજાના કમાડ ખોલવા પડે. હું ને ત્યાગી સર્વનો ખયાલ ઉગાડવો પડે. પછી તે કિન્નરો,વિચરતી જાતિ કે આદિવાસીઓનો ઉપેક્ષિત અવાજ હોય કે જૂની રંગભૂમિ અને સાહિત્યના જુના અંદાજોમાંથી પ્રેરિત થઈને કશુંક શીખવાની તૈયારી હોય,’આરોપનામા’ માં જયભાઈ અને કાજલબેનના આત્મનિવેદનોને સાંભળવાનું સાક્ષીપણું હોય કે સાવ અપરિચિત ક્લાક્ષેત્રનો કોઈ વિષય ત્રણ કલાક સાંભળવાની ઉત્સુકતા હોય,બધામાં તળિયેથી જરૂરી છે સ્વીકાર કરવાની હોંશ. આપણે આપણી જાતને ધારણાઓ અને પૂર્વગ્રહોથી એવી બાંધી દીધી છે કે સત્ય સાંભળી નથી શકતા,સત્ય જોઈ નથી શકતા,સત્ય જીવી નથી શકતા.

અસ્મિતાપર્વ સત્યની રૂબરૂ થવા એક અગત્યનું માધ્યમ છે. બધું પડતું મૂકીને ગુરુકુળની નાળિયેરીઓ નીચે ત્રણ દિવસ બેસો તો ખબર પડે, વાતો કરવાથી કશું નહીં સમજાય. અમુક વખતે પ્રત્યક્ષ અનુભવ અનિવાર્ય હોય છે.

પોત પોતાના ક્ષેત્રમાં વિદ્વાન કેટલાય વ્યક્તિત્વો અહીં આવે,એની કલા પ્રસ્તુતિ થાય,એ આપણી વચ્ચે આપણી જેમ જ હરતા ફરતા હોય,જેણે જીવનભર પોતાની કલા સાધનાને નતમસ્તક સેવી હોય એ સૌની વચ્ચે શ્વાસ લેવા એ ઘટના સામાન્ય તો નથી જ નથી. અમુક બુડથલો બધે હોય એમ અહીં પણ હોય જ છે. જેનું નામ પ્રસિદ્ધ હોય પણ ઊંચાઈ ખાડે હોય. પણ શિખરને આશરે અમુક ઢગલીઓ નભી જતી હોય છે. આપણે શિખર જોવાની ટેવ પાડવાની. ઢગલીઓનો દ્વેષ નહીં કરવાનો. આપણે આપણું જોવાનું.

હરિશ્ચંદ્ર જોશી અને વિનોદ જોશી અને તેઓની સાથે જોડાયેલા અન્ય ઘણાં આ આખાય પવિત્ર આયોજન માટે જહેમત ઉઠાવે છે. મને એના વિશે કશી જ વિશેષ જાણકારી ન હોય એ બાબતે બોલવું મને અધિકૃત નથી લાગતું. પણ હા,મારા દિલમાં એમના પ્રત્યે અપાર ભાવ છે. એમને વંદન કરું.

સરસ્વતી મંદિરમાં માથું નમાવતી વખતે,રીક્ષામાં તલગાજરડા જઈને બપોરનો પ્રસાદ લેતી વખતે,સગા ભાઈઓ જેવા દોસ્તો સાથે મહુવાના ગેસ્ટ હાઉસમાં મસ્તી કરતી વખતે,બંને સંગોષ્ટિની વચ્ચેના ફ્રી ટાઇમમાં ભર બપોરે ગુરુકુળની નાળિયેરીઓ નીચે ઘસઘસાટ ઊંઘતી વખતે,લાઈટ હાઉસના દરિયે આથમતા સૂરજને આંખે આંજતી વખતે,ચામડી બાળતી ગરમીમાં પણ આનંદ આપતી ક્ષણોમાં ખિલખિલાટ હસતી વખતે ખબર નથી પડતી…..બધું જ માણીને આપણા કાયમી મુકામે પાછા ફરીએ ત્યારે જે ભાવ જન્મે છે એ જણાવે છે, ‘આ ધન્યતાના દિવસો છે.’

ધન્યતાના દિવસો માન્યતાઓના ખંડન અને સત્યના સ્થાપનની ભૂમિકા હોય છે.

હજુ સેંકડો શબ્દોમાં આ ઘડીઓ વિશે લખી શકું તેમ છું. પણ હું એવું કરીશ નહીં. થોડુંક વ્યક્ત થઈને બાકીનું બધું જ અવ્યક્ત રાખવામાં ધન્યતા વધુ ધન્ય થાય છે.

વર્ષ~૨૦૧૮ના આ અસ્મિતાપર્વ-૨૧ના સાથીઓ દિવ્યાંશ પરમાર,રામ મોરી,પ્રતીક સુખાનંદી, પ્રવિણ નાયકા,સુરેશ ચૌધરી, હિતેશ ચૌધરી,ગોપાલ યાદવ,વિશાલ કાછડીયા અને ફરહાદ શૈખએ આ ઘડીએ અંતરથી સ્મરું છું. સૌને પ્યાર.

!! જય સિયારામ !!

અસ્મિતાપર્વ-૨૧નો યુવાસંઘ
કાજલ ઓઝા વૈદ્ય અને રામ સાથે હળવાશની પળો
કિન્નર અખાડાના મહામંડલેશ્વર શ્રી લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના આશિર્વાદ લેતી વખતે
હકિમભાઇ રંગવાલા સાથે હું અને દિવ્યાંશ
જુનાગઢની રામકથા ‘માનસ નાગર’ ના શીલવંત સંચાલક શ્રી ભદ્રાયુ વચ્છરાજાનીને સપ્રેમ ‘સ્પર્શ’ આપતી વખતે
કૈલાસ ગુરુકુળના પરિસરમાં બિરાજમાન મા શારદા
જૂની રંગભૂમિના કલાધરો વિશે રજૂઆત કરતા શ્રી ઉત્કર્ષ મઝુમદાર
દેવકી સાથે
આનંદ
બેય વ્હાલા અને પ્રણમ્ય – જયભાઇ અને સુભાષ ભટ્ટ
અમે સૌ
અમે સૌ @ લાઈટ હાઉસ
રામ મારા અંતરના આરામ
કથકની રજૂઆત કરતા સુશ્રી રૂપાંશી કશ્યપ,શ્રી રોહિત પરિહાર અને સુશ્રી વિશાલકૃષ્ણ
ઠેકાણું
ગુરુકુળની નાળિયેરીઓ હેઠે નીંદર કરતાં અમે સૌ
ચોટીવાલા
બધાય બબુડીયા
Advertisements

સંઘર્ષગાથા – શબ્દોનું વેશ્યાલય

સંઘર્ષ યુવાનોને ગમતો શબ્દ છે. પ્રવાસ યુવાનોને ગમતી પ્રવૃતિ છે. વિરોધ અને અસ્વીકાર યુવામાનસનો કાયમી સ્વભાવ છે.

બેવજહ બોલવું એટલે એક અર્થમાં ભસવું !
બેવજહ બોલવું એટલે એક અર્થમાં ભસવું !

જેમ સુખની વ્યાખ્યા ન થઇ શકે તેમ સંઘર્ષની પણ વ્યાખ્યા ન થઇ શકે. બે ટંક ખાવાનું મળે એ એક પરિવાર માટે સુખ છે. અને બે કાર અને બે બંગલા હોવા છતાં અમુક પરિવારો પોતાને પછાત સમજતા હોય એ પણ આપણે સૌએ જોયું છે. સંઘર્ષની જો કે એક નવી તસવીર ઉપસી રહી છે જેમાં દેખાડાની લાયકાત સિધ્ધ કરવાની એક સાયલન્ટ સ્પર્ધા ચાલી રહી છે. માતા પિતાની નાંણાકીય અસ્વસ્થતા એમાં કોમન હોય. કહેવાતી સફળતાને અડેલા બધાને એ કહેવું છે કેટલા સંઘર્ષ પછી એ અહીં પહોંચ્યો છે. નદી એના ઉબડ ખાબડ રસ્તાઓની વાત નથી કરતી. પંખીઓ હવાની વધ ઘટથી વધુ વીંઝવી પડતી પાંખની શિકાયત નથી કરતા. કોઇ દરિયો વધુ ફંગોળાઇને ફરિયાદ નથી કરતો. ઊછાળા મારવા અને ફીણ-ફીણ થવું એ દરિયાએ સ્વીકારી લીધું છે. નદીને ખ્યાલ છે એનું મોસાળ છે પર્વત…ગતિ છે મેદાન અને મુકામ છે દરિયો. એનો રસ્તો આવો જ હોય એ એને સ્વીકારી લીધું છે. આવડા મોટા આસમાનમાં પવન એનો પરિચય બદલે જ એની સામે દલીલો અને ખુલાસા કરવાને બદલે ઠેકાણે પહોંચવા ઊડવાનું જ હોય એ પંખીઓએ સ્વીકારી લીધું છે. એક સાવ નવા ક્ષેત્રનો અનુભવ લેવા,માંહ્યલાની તસલ્લી માટે કરવી પડતી માથાકૂટો અભ્યાસક્રમ છે,લેશન છે, અનિવાર્યતા છે. એનો હોબાળો ન હોય, એનો હરખ હોય…કે આપણે એ જીવી શક્યા છીએ,કારણ કે આપણે એ જીવવાની હોંશ દાખવી હતી. એ રસ્તે જવાની આપણી જ ઇચ્છા હતી માટે એ દરમિયાન આવતી સમસ્યાઓ વિષે બયાનો આપતા રહેવા બિનજરૂરી ચર્ચા છે.

માણસને આદર્શો સ્થાપવાની ખંજવાળ હોય છે. મારી સંઘર્ષગાથા સાંભળીને બે જણનો જીવ જાગૃત થઇ જાય-એવું કંઇક ! તમારા સંઘર્ષમાંથી તમે જેટલો રસ અને જીવવાની કળા શીખી શકો એ જ સંઘર્ષનો સર્વોત્તમ અભિગમ છે. સંઘર્ષ કહેવાની વાત જ નથી. સંઘર્ષ જીવવાનો અહેસાસ છે. સંઘર્ષ આ અર્થમાં પ્રેમનો પર્યાય લાગે. આપણે ધારીએ તોયે ન જણાવી શકીએ…પ્રેમના અનુભવોની દાસ્તાન. ઉજાગરાની કવિતા કરી શકાય. ઉજાગરા દરમિયાન અનુભવાયેલા ડૂમાને હૂબહૂ રજૂ કરવામાં મૌન જ સેવવું પડે. શબ્દોની એક મર્યાદા છે. શબ્દ રસ નિષ્પતિનું કામ કરી શકે….શબ્દ એ અનુભવની ઉત્પતિનુ કામ ન કરી શકે જે તમે ખુદએ જે-તે સમયે નરી આંખે અને નરી જાતે જીવ્યું હોય. છતાં પ્રેમની વાતો સદીઓથી થાય છે…સંઘર્ષોની વાતો થાય છે,થઇ રહી છે,થતી રહેશે.

રજૂઆતોના દાયરામાંથી માણસ કંટાળે એટલે એને જીભના આંગણે મૌનનું પારણું બાંધવું પડે છે. ખામોશ થઇ જવું કળા છે.ખામોશ રહેવું સિધ્ધિ છે.ખામોશી સાથે સંવાદ સાધવો ઉત્તમ વાર્તાલાપ છે.ક્યારેક જાતને પૂછી જોવું કે મારા અનુભવોની વાતો કરીને હું સાબિત શું કરવા માંગું છું ? કહાની કોઇની પણ હોય…વાતચીત દરમિયાન એમાં મારે મારું પ્રકરણ કહેવાની શી જરૂર છે ? શા માટે કોઇપણ વાતમાં માણસ અગાઉથી જ ચીંથરેહાલ રીતે રજૂ થતી કોઇ વાહિયાત વાતમાં પોતાના અનુભવનું થીંગડું મારવાની ગુસ્તાખી કર્યા કરે છે? આમ કરવાથી માણસ તરીકે આપણે આપણા અહંકારને પોષણ આપી રહ્યા છીએ. ‘મેં ખુબ તકલીફ ભોગવી છે’ એવું જણાવીને આપણે સામેવાળાને આપણો પોકળ સંઘર્ષ જતાવી રહ્યા છીએ.

સમસ્યાઓને જીવવાનો જ નહીં સમસ્યાઓને આલિંગન આપીને ચાહનારો શખ્સ ક્યારેય પોતાની પીડાને શબ્દો આપવાની ભૂલ નહીં કરે. કૃષ્ણ એનું સર્વોત્તમ ઉદાહરણ છે. કૃષ્ણનો રાસ, કૃષ્ણનો પ્રેમ કરવાનો અંદાજ, કૃષ્ણની લીલા અને કૃષ્ણની ગીતા સૌને પ્યારી છે…કોણ જાણે છે મોરપીંચ્છના મેઘધનુષી રંગોને મુકુટમાં સજાવીને મુસ્કુરાહટ વેરતા કૃષ્ણના અંતરનું રેગિસ્તાન ! કૃષ્ણએ ભારતીય સંસ્કૃતિનો પરિચય આપી શકે એટલી બળવાન અઢાર અધ્યાયની ભગવદગીતા આપી પણ પોતે જીવેલા સંઘર્ષની એક સુરખી પણ ક્યાંય જતાવી નથી. ભગવન ચરિત્રોમાંથી આટલે પ્રેરણા લેવાના બમણાં ફૂંકતા આ દેશના નાગરિકો વિષ્ણુ અવતારના આ આયામને કેમ અનુસરતા નથી ? રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘કોણ જાણે છે જીણા મૂંઝારા ?

વાચાળતા આદર્શ વ્યક્તવ્યોની શોભા છે પણ એક સરળ વ્યક્તિત્વમાંથી ઉમદા ચરિત્ર બનવા માટે અમુક બાબતોમાં મૌન સેવ્યા વિના છૂટકો નથી. આવી આદતની કેળવણી અગર ન થાય તો કંઇ ફાંસી ન થાય….જીવન એવું જ જીવાય જેવું સેંકડો લોકો જીવે છે અથવા તો જીવીને જતાં રહ્યાં છે. હા, પ્રત્યેક વાતમાં સંઘર્ષનો સ્વાનુભવ જતાવવાથી જાતને સહેજ ઊંચે લઇ જવા આવેલા એક અનુભવનું બાળમરણ થવાની સંભાવના ચોક્કસ રહેલી છે.

મૌન તપસ્વીઓની જ જાગીર નથી, માણસ તરીકે આપણા સૌની દૌલત છે….એને શબ્દોમાં વેડફીને હાથે કરીને આપણે કેટલું નુકશાન વ્હોરી રહ્યાં છીએ એ સમજવા મૌનનો આશ્રય લેવો અનિવાર્ય છે. સંઘર્ષ સ્વાભાવિક ઘટના છે….એને ચગાવી મારવાથી કંઇપણ સિધ્ધ થતું હોય તો એ આવશ્ય કરાય. પણ સદીઓના ઉદાહરણો આપણી સૌની પાસે છે કે આપણે બોલી-બોલીને સરવાળે કંઇ સાબિત નથી કરી શકતા. ત્યારે કેમ એક એવી રાહને ન અનુસરીએ જે નિ:શબ્દ છે છતાં સક્ષમ છે. ખામોશ છે છતાં અર્થસભર છે.

શબ્દોની સેના રઝળાવ્યા પછી પણ કંઇ સાબિત થતું નથી…. આથી મોટો સંઘર્ષ કયો હોઇ શકે ?              

ઊગતાં લેખકો જોગ….

વરસતાં વરસાદ નીચે રસોઇ કરવી શક્ય નથી. એ જ રીતે કેરોસીન આગનું એક ઉદ્દીપક હોવા છતાં આગ પર સતત રેડાતું રહે તો પણ રસોઇ શક્ય નથી. વધુ પડતી આગ રસોઇ બાળી મુકે અને જરૂરિયાત કરતાં ઓછી આગ રસોઇને ચડવા ન દે. આગની યોગ્ય માત્રા અને અનુકૂળ હવામાન હોય તો જ ખીચડીથી માંડીને ખસખસથી રૂપાળા લાગતાં લાડૂ સુધીની લિજ્જતદાર વાનગીઓ તૈયાર થઇ શકે.

સાવ ઘરેલું ઉદાહરણ આપવાનું કારણ ફક્ત એટલું જ કે આપણા સૌના ઘરની ભાષા ગુજરાતીમાં તૈયાર થતાં નવા લેખકોમાં ભભૂકતી,તડફડતી અથવા તો સૂતેલી આગનો એક અધ્યાય સહેજ છંછેડવો છે. લેખકો નવા-જૂના હોય શકે….લેખન કાયમી હોય છે. આપણે સગવડ ખાતર ‘જૂના લખાણો’ એવો શબ્દપ્રયોગ કરીએ એ અલગ વાત છે.    

evenbiggerversion_feafb29f69e00cf0d6d85edb8dd5fce7મજાની વાત એ છે કે ગુજરાતી ભાષા પાસે તાજા કલમોની ભીડ જામી છે. દરેક જણ પોતાની જોળીમાં કંઇકને કંઇક લઇને આવ્યો છે.કોઇક પાસે અંગત દર્દોની દાસ્તાનો છે, અમુક પાસે શબ્દોનો વ્યભિચાર છે  અને કેટલાંક પાસે ઉધારના વિચારોની ચોરેલી લખાણપટ્ટી છે. અત્યારે ક્રિએટીવ ફિલ્ડમાં આગળ વધવાનો ક્રેઝ પણ છે અને માંગ પણ છે. આ સ્થિતીમાં લેખનના બહાને પોતાને અધ્ધર લઇ જનારા પણ ગુજરાતી ભાષાને સદ્ધર કરનારા શખ્સ કેટલાં ? ફક્ત ગુજરાતીપણાંથી લથબથ હોય એવા અવાજમાં સાતત્યપૂર્વકની કલમ ચલાવનારા કેટલાં ? ધ્યાનથી, આ કોઇ નવી કોલમોના વિરોધમાં જવાનો ઇસ્યુ બિલકુલ નથી. મુદ્દો છે વિષય અને વિચારથી સક્ષમ ગુજરાતી લખાણોના અભાવનો.

આપણી પાસે હરી-ફરીને દસથી વધુ એવા કોઇ વિષયો નથી જેના પર સામાન્ય રીતે સતત લખાતું હોય. પ્રેમ,સેક્સ,ધર્મ,સંબંધ,રાજનીતિ અને અંગત અનુભવો સિવાય મોટાભાગે એવા કોઇ વિષય પર લખવાનો આપણે ત્યાં ઉમળકો કે અભ્યાસ જોવા નથી મળતો જેનાથી ગુજરાતી ભાષા વધુ સમૃધ્ધ બને. એક તો નખશિખ ગુજરાતી લઢણવાળા અમુક શબ્દોનો ઉપયોગ જ નામશેષ થઇ રહ્યો છે. લાવણ્ય,સ્પંદન,એકાંતરે, આલિંગન…..આ ગુજરાતી ભાષાને પાણી ચડાવતાં શબ્દો છે પણ દુર્ભાગ્યે કવિતાના શબ્દો થઇ ગયા છે. સમયને ટેકનોલોજીનું આવરણ મળ્યું છે માટે એવી અપેક્ષા રાખવી અયોગ્ય છે કે શુધ્ધ ગુજરાતીનો જ ઉપયોગ કરવો. આ તદ્દન અસંભવ અને અતાર્કિક દલીલ થશે. પણ જેને કારણે આ ભાષાનું સિંચન થયું છે એવા  ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડીને  ઉમાશંકર જોશી,ક.મા.મુનશી,સુંદરમ અને આ દસકાના સર્જકોને વાંચવા જરૂરી છે. ભલે અધવચ્ચેથી છોડી દેવી પડે તો પણ ગુજરાતી ભાષામાં ક્લાસિક ગણાતી હોવાના નાતે ‘સરસ્વતીચંદ્ર’ એટલા માટે વાંચવી જરૂરી છે કારણ કે તમને એ શા માટે ન ગમી એના તમારી પાસે પ્રમાણભૂત વ્યક્તિગત  કારણો રહે. આ પ્રાથમિકતા પણ છે અને લેખક બનવાની કેળવણી પણ છે. પૂર્વગ્રહથી ભાષા કે ભગવાન કોઇની ઉપાસના ન થઇ શકે. વગર વાંચ્યે કોઇ પુસ્તકનો વિરોધ કરવો કે એના વિષે અભિપ્રાય આપવો લેખકની હલકાઇ છે. જો મારી પાસે મેઘાણીના લખાણો ગમતાં હોવાના કારણો છે તો અશ્વિની ભટ્ટની નવલકથાઓ ન ગમવા પાછળના સચોટ કારણો હોવા એટલા જ જરૂરી છે. દરેક સર્જકની એક મસ્તી હોય છે,એક લય અને મિજાજ હોય છે….એ બારિકાઇમાં આપણે જાંકવાનું છે. ‘આ બક્ષી જેવું લખે છે’ – એ અભિપ્રાય કરતાં આક્ષેપ વધુ છે. બક્ષી આખરે બક્ષી છે. સુરેશમાં રમેશનું પ્રતિબિંબ જોવાને બદલે સુરેશમાં રહેલા સુરેશને શોધતી દૃષ્ટિ ખુદા જાણે ક્યારે આવશે ?

આપણે આપણા સર્જનો વાંચવા પડશે,દોસ્તો. તાકી જે વિષયો અગાઉ છેડાયા નથી એ હવે છેડાય એવો માહોલ સર્જાય. આપણે બીજા અનેક સર્જકો પણ એની સાથે જ વાંચવા પડશે જેથી એનો રંગ પણ આપણી ચામડીને ચડે. ‘મારા મતે આમ…’ પ્રાથમિક તબક્કે સ્વાભાવિક છે પણ આગળ વધવા માટે મત મતાંતરો સાંભળવા પડશે. પાયામાં પોતાની ભાષાનું પાણી અને માથે દુનિયાભરની હેલ મુકવી પડશે. ગુજરાતીની મર્યાદા,હિન્દીની ખાસિયતો,ઉર્દુનો મિજાજ,બંગાળીનું દર્શન,બ્રિટીશ ઇંગ્લીશ,ફેન્ચ ઉચ્ચારણો…. સરવાળે તો આ જહેમત એની ભાષાને એક સક્ષમ સર્જક આપે છે. 

ભરચક માત્રામાં લખાતું હોય છતાં આરપાર નીકળે એવું ભાગ્યે જ હાથમાં આવે ત્યારે થાય આ ગોડાઉનમાં ઠલવાતો માલ કેમ ચપટી એક જ મળે છે ? આપણે સૌ જુવાન હૈયા છીએ…આપણું લોહી,આપણી ચેતના અને આપણા ઉધામા…. બધું જ નાવીન્યથી તરબતર છે….જરૂર છે સજ્જ થવાની. આ તારણ ખોટું પણ હોય શકે છતાં જે દેખાય રહ્યું છે એ મુજબ હજુ ધૈર્ય અને અભ્યાસની કમી અને સાહજિકતાની ઓળખ નવી કલમોમાં ઘટે છે. વખાણને ઓળખાણ બનાવી લેવાની વૃત્તિ સર્જનાત્મકતાનો સૌથી ઘાતકી દુશ્મન છે. અને અન્યના અભિપ્રાયોને ખુદનો અંતિમ નિર્ણય માની લેવાની ભૂલ સર્જનાત્મકતાનું બાળમરણ છે.

જાગેલાં નવા વિચારને ચારેબાજુથી તરાસીએ….જોઇએ કે આ કેટલું સાચું છે અને કેટલું છીછરું છે.  બે લાઇન મગજમાં આવી કે ફેસબુકનું સ્ટેટસ બનાવી દેવું એ નાના પાયે સર્જન હોય શકે,એ લાંબાગાળા સુધી બરકરાર રહે એવી સર્જનાત્મકતા તો નથી જ. વિચારને ઘોળાવા દો. મનોમંથન અને મગજમારી વચ્ચેના ઘર્ષણને અનુભવો. થોડા સંશય અને એના ઉકેલ માટેના પ્રયાસો માટે જાતને જોતરો.સરવાળે કંઇક મળશે…જે સાવ અંગત હશે અને એ જ એક સર્જક તરીકેની તમારી સાહજિકતા હશે. એ સાહજિકતા નવીન હોય તો બહુ રૂપાળું અને એમાં જો સામાન્ય હોય તો એને વધુ ધારદાર બનાવવા મંડાય પડવું એ ભાષાના ઉપાસક તરીકેની આપણી ફરજ છે એ સ્વીકારી લેવું માણસાઇ છે.

સજ્જ બાહૂવતી નવી તલવારો મ્યાનમાંથી નીકળે એનો રાજીપો હોય જ…..પણ એ તલવારો ધારદાર હોય ત્યારે અંદર રીતસર એક પ્રકારનો વિજય અનુભવાતો હોય છે. લડાઇ જીતાય જવાનું ગૌરવભર્યુ અનુમાન અનુભવાતું હોય છે.

આપણી પાસે તલવારો અનેક છે બસ ધારદાર તલવારો બહાર નીકળે એવી એક અપેક્ષા છે અને અનિવાર્યતા પણ ! 

    there-are-devilish-thoughts-even-in-the-most-angelic-minds-rachel-wolchin-2

‘મારે લગ્ન શા માટે કરવા છે ?’

             ઉંમરને અનુલક્ષીને મારી સામે સતત ઘા થતો સવાલ ‘લગ્ન’નો હોય છે. “હવે લાડવા કે’દિ ખવડાવો છો,બાપુ !” “અલ્યા,બધાં પરણી ગ્યાં…હવે તો હલો…કે પછી કવિતાયું જ લખ્યાં કરવી છે?”, “ભાઇ,હવે પરણી જા, અટાણે લકઝરી મળશે…બે-ચાર વર્ષ પછી છકડો ય નય મળે !!!”                            568b68eb9ec6680af0318aca              દોસ્તો સળી કરે એ ચુભતી નથી,ગલગલીયા કરે છે પણ આ કહેવાતા સગા અથવા સંબંધીઓ મને પહેલેથી જ લુખ્ખાં,બિનઅંગત અને બદદિમાગ અશુભચિંતકો લાગ્યા છે. પ્રત્યેક વ્યક્તિને ઉંમરના પચ્ચીસમાં વર્ષે એ સવાલ થવો જોઇએ કે મારે લગ્ન શા માટે કરવા છે ?” એ માટેના એની પાસે ક્લીયર અને સચોટ કારણો હોવાં જરૂરી નહીં,અનિવાર્ય છે.મમ્મીની તબિયત હવે સારી નથી રહેતી માટે, હવે ભાઇ ભાંડુઓમાં પોતાનો નંબર આવ્યો છે માટે,નોકરી મળી ગઇ છે માટે,હવે લગ્ન કરવાની ઉંમર થઇ ગઇ છે માટે,  ઘર સચવાય એ માટે અથવા તો હવે સેક્સની ચુલ ઉપડી છે માટે – આ પૈકીના અગર કોઇપણ કારણથી કોઇ લગ્ન કરતું હોય તો હું જાહેરમાં કહું છું ‘એ મૂરખનો સરદાર છે.’

           લગ્ન કરવાની તાલાવેલી હોવી જોઇએ. એક સાવ નવી વ્યક્તિ અને એના વ્યક્તિત્વને સાચવી અને સુરક્ષિત રાખી શકવાની જવાબદાર તૈયારી હોવી જોઇએ. એવું લાગે કે હા, એ વ્યક્તિના તમામ ગમા- અણગમા,જીદ,રિસામણાં,ફરમાઇશો, ખર્ચા,શોખ,આદતો, ગુસ્સા અને ખાસ તો ‘એના સગા અને સબંધીઓ’ને જેલવાની અને જીરવવાની મારી તૈયારી છે તો અને માત્ર તો જ લગ્નની ચપ્પલ પહેરાઇ, બાકી કુંવારા પગે ચાલવું કશું ખોટું નથી. બીજાના ધક્કાથી અને કહેવાથી સાયન્સ,કોમર્સ કે આર્ટસનો પ્રવાહ નક્કી થાય, જીંદગીના સર્વોત્તમ વળાંકનો નિર્ણય ગામને પુછીને ન કરવાનો હોય. કમ માં કમ આ નિર્ણય તો ખુદના તબક્કેથી જ હોવો જોઇએ. અને આપણે સતત જોઇએ છીએ કે મને-કમને, થોડીક જ પોતાની ઇચ્છા અને બાકી પરિવારની વાતોમાં આવીને થયેલા લગ્નોના જ્યારે શરૂઆતમાં બિસ્તર પર, પછી પાંચ માણસની વચ્ચે અને ત્યારબાદ મહોલ્લા વચ્ચે તાયફાં થાય છે ત્યારે પેલાં કહેવાતાં વચેટીયા કે ગામ સલાહો સિવાય કશું જ આપી કે દઇ શકતાં નથી….જુઠ્ઠું દુખ વ્યક્ત કરવા મોં ગંભીર કરીને બે-ચાર વાર આપણા ઘરની મુલાકાત લે છે અને પછી સરકારના વાયદાઓની માફક ફુર્રર્રર્ર……બેજવાબદાર બદમાશો !         

 લગ્ન સ્વયં એક સુંદર શિક્ષણ છે, બહેતર ઇન્સાન બનાવતો યુવાનીનો એક જવાબદાર પડાવ ! લગ્ન સંસ્થા અમસ્તી જ નથી કહેવાતી. પણ હવે એક સરકસ થઇ ગયું છે, દેખાડો,દંભ અને અદેખાઇના જાણે બદલા લેવાઇ છે લગ્નના બહાને !

       હિંદુસ્તાનમાં લગ્ન એખુટે નહીં એવી દલીલાત્મક ચર્ચા છે. એટલે જાજું નથી કહેતો, ફક્ત એક દરખાસ્ત મુકું છું…..ઉંમરના પચ્ચીસમાં વર્ષના મુકામે લગ્નને લઇને બહુ બબાલો ઉભી થશે…. તમે તમારા તબક્કે ક્લીર રહેજો કે મારે લગ્ન શા માટે કરવા છે ?’ જવાબ જાયઝ મળે તો જ કોઇકની ઉમ્મીદો અને અપેક્ષાઓને સપના બતાવજો.નહીંતર રહેવા દેજો. તમારાં પરણવા કે ન પરણવાથી દુનિયાની ભૂગોળમાં કોઇ મોટો ફેરફાર થવાનો નથી.

ઇશારો

વ્યક્તિ પાસે અવાજ હોય છે,

ટોળાં પાસે તો ફક્ત ઘોંઘાટ જ હોય છે !