અસ્મિતાપર્વ = ધન્યતા

ધન્યતા એટલે નિતાંત રાહત. ઘણો જ ગેરવલ્લે થયેલો શબ્દ છે ધન્યતા. અમસ્તી વાતમાં વેડફાઈ જતો શબ્દ છે ધન્યતા.

આંખે મેઘધનુષ આંજીને જિંદગી જોવાનો અભિગમ રાખ્યો છે એટલે જિંદગી વ્યવહારિક ઢબે અનેક સુંદર અનુભવો આપી રહી છે. ગામડે જીવાયેલું શૈશવ,સોમનાથ મહાદેવની પનાહમાં સ્થિત વેરાવળમાં જીવેલી તરૂણાઈ,ગિરનારની અધ્યાત્મભીની ભોમકામાં પાંગરેલો કોલેજકાળ,ઉર્જાવંત અમદાવાદમાં કોરાયલી જવાની અને વ્યવસાયિક અનુભવો આપતાં ગાંધીનગરના આ પુખ્ત દિવસો. સૌ પડાવને એની ગરિમા છે,એનો મિજાજ અને સુગંધ છે. સૌની પોતાની અસર અને ઓળખાણ છે. પણ વ્હાલા મોરારિબાપુના કૈલાસીમુખે વહેતી રામકથાના દિવસો અને અસ્મિતાપર્વના દિવસો મારી જિંદગીના ધન્યતાના દિવસો છે. ધન્યતા એટલે બધું જ. સુખ,શાંતિ,આરામ,પીડા,સગવડ,ઐશ્વર્ય,હરખ,જ્ઞાન, ભક્તિ,ક્ષિતિજ, પવિત્રતા. સઘળું….!

પાંચ વર્ષ પહેલાં પહેલી વખત અસ્મિતાપર્વમાં ગયો હતો. કોઈએ ચીંધ્યું નહોતું. સાહિત્યમાં એ કક્ષાની રુચિ પણ નહીં કે ક્યારેય ન જોયેલા અને ન જાણેલા વિસ્તારમાં એકલો આમ જઈ પહોંચું. પણ શાયદ એ ‘એનું’ આમંત્રણ હતું. ‘એણે’ જ બોલાવ્યો હશે. દેખાડાની નહીં પણ દિવ્યતાથી લથબથ ભૂમિ પર ઓચિંતાનું જ પહોંચાતું હોય છે. એના પ્લાન ન હોય. પ્લાનથી પીકનીક થાય, જાતરા અનપ્લાન્ડ હોય છે. તમારી વૃત્તિની જેટલી નિર્મળતા વધુ એટલી ત્યાં પહોંચવાની સંભાવના વધુ. તમારા દામનમાં જેટલી એની કૃપા વધુ,એટલી જ પરમ પ્રાસાદિક ક્ષણો મળવાની શક્યતાઓ વધુ. આ મને પાંચ વર્ષથી લાભ મળે છે એટલે આત્મશ્લાઘાના સંદર્ભે નથી કહેતો, આ જ નિયમ છે. નહીંતર અહીં કોને ખબર પડતી હતી સિતાર એટલે શું ? સંતુર કેમ વાગે ? કથક અને ભરતનાટ્યમ,તબલાં અને પખવાજ, વાંસળી અને શરણાઈ,શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત વચ્ચેના શાલીન ભેદો નહીંતર કોણ જાણે ક્યારે સમજાત ! બધી જ અસ્મિતાપર્વની દેન છે,એ એક ભાવક તરીકે મારે કબુલવું જ રહ્યું.

અહીં સૌને આવવાનો હરખ થાય છે. બાપુના પાવન સાંનિધ્યનો અનુભવ કૈલાસ ગુરુકુળના રમણીય પરિસરમાં કંઈક વિશેષ હોય છે. મને વ્યક્તિગત કોઈ પૂછે તો હું કહું કે મને ૠષિકેશની ગંગા અને માલણ નદીના કિનારે શ્વસતાં કૈલાસ ગુરુકુળની હવામાં કોઈ ફરક નથી અનુભવાતો. આ મારો ભાવ છે અને અનુભવ પણ ! અહીં આવીને સમજાય છે કે આપણે હજુ સમાનતાને બરાબર સમજી નથી શક્યાં. હજુ આપણે એટલા જાગ્યા જ નથી કે આયોજન અને વ્યવસ્થાનું મૂળભૂત સ્વરૂપ આપણે જોઈ શકીએ. આયોજન અને વ્યવસ્થા થઈ ન શકે,કોઈ કરે છે. કોઈ સાચવે છે. અહીં બધું જ કોઈ ત્રીજું જ તત્ત્વ નક્કી કરે છે. તમને અને મને આવે છે એ વિચાર છે,એનું પ્રાગટય થાય એ ક્ષણે જ આયોજન અને વ્યવસ્થા નિશ્ચિત થઈ ચૂકી હોય છે. પછીનું સ્ટેપ તો નિશ્ચિન્ત થવાનું હોય છે. પણ ત્યારે આપણે બુદ્ધિના ડબલા ખોલીએ. આમ કરીએ તો સારું અને આમ તો ન જ કરાય ના મનઘડત દેકારા કરીએ. છેવટે આપણે એવો પ્રસંગ સંપન્ન કરીએ છીએ જેમાં બીજા જણાવે કે જમવાનું સારું હતું,જગા સારી હતી,આ ખરાબ હતું અને પેલું અમને ખૂબ ગમેલું. તમને પોતાને એવો સવાલ થતો જ નથી કે આ મારો જ પ્રસંગ હતો પણ મને કેટલી અને કેવી પ્રસન્નતા સાંપડી ? આ એક નિષ્ફળ પ્રસંગ હોય છે એ તમે તમારા અહંકારને લીધે સ્વીકારી નથી શકતા. અસ્મિતાપર્વના દિવસો અંદરથી પ્રમાણો જગાડતો અવસર છે કે મને આટલી મજા અને પ્રસન્નતા અગાઉ ક્યારેય નથી મળી ! બુદ્ધિશાળીઓને આ નહીં સમજાય. આ સમજવા બધી લમણાંઝીંક તડકે મૂકી બાપુની શીતળ છાયામાં પલાંઠી વાળીને બેસવું પડે. કૈલાસની હવાને પ્રવેશવા કાળજાના કમાડ ખોલવા પડે. હું ને ત્યાગી સર્વનો ખયાલ ઉગાડવો પડે. પછી તે કિન્નરો,વિચરતી જાતિ કે આદિવાસીઓનો ઉપેક્ષિત અવાજ હોય કે જૂની રંગભૂમિ અને સાહિત્યના જુના અંદાજોમાંથી પ્રેરિત થઈને કશુંક શીખવાની તૈયારી હોય,’આરોપનામા’ માં જયભાઈ અને કાજલબેનના આત્મનિવેદનોને સાંભળવાનું સાક્ષીપણું હોય કે સાવ અપરિચિત ક્લાક્ષેત્રનો કોઈ વિષય ત્રણ કલાક સાંભળવાની ઉત્સુકતા હોય,બધામાં તળિયેથી જરૂરી છે સ્વીકાર કરવાની હોંશ. આપણે આપણી જાતને ધારણાઓ અને પૂર્વગ્રહોથી એવી બાંધી દીધી છે કે સત્ય સાંભળી નથી શકતા,સત્ય જોઈ નથી શકતા,સત્ય જીવી નથી શકતા.

અસ્મિતાપર્વ સત્યની રૂબરૂ થવા એક અગત્યનું માધ્યમ છે. બધું પડતું મૂકીને ગુરુકુળની નાળિયેરીઓ નીચે ત્રણ દિવસ બેસો તો ખબર પડે, વાતો કરવાથી કશું નહીં સમજાય. અમુક વખતે પ્રત્યક્ષ અનુભવ અનિવાર્ય હોય છે.

પોત પોતાના ક્ષેત્રમાં વિદ્વાન કેટલાય વ્યક્તિત્વો અહીં આવે,એની કલા પ્રસ્તુતિ થાય,એ આપણી વચ્ચે આપણી જેમ જ હરતા ફરતા હોય,જેણે જીવનભર પોતાની કલા સાધનાને નતમસ્તક સેવી હોય એ સૌની વચ્ચે શ્વાસ લેવા એ ઘટના સામાન્ય તો નથી જ નથી. અમુક બુડથલો બધે હોય એમ અહીં પણ હોય જ છે. જેનું નામ પ્રસિદ્ધ હોય પણ ઊંચાઈ ખાડે હોય. પણ શિખરને આશરે અમુક ઢગલીઓ નભી જતી હોય છે. આપણે શિખર જોવાની ટેવ પાડવાની. ઢગલીઓનો દ્વેષ નહીં કરવાનો. આપણે આપણું જોવાનું.

હરિશ્ચંદ્ર જોશી અને વિનોદ જોશી અને તેઓની સાથે જોડાયેલા અન્ય ઘણાં આ આખાય પવિત્ર આયોજન માટે જહેમત ઉઠાવે છે. મને એના વિશે કશી જ વિશેષ જાણકારી ન હોય એ બાબતે બોલવું મને અધિકૃત નથી લાગતું. પણ હા,મારા દિલમાં એમના પ્રત્યે અપાર ભાવ છે. એમને વંદન કરું.

સરસ્વતી મંદિરમાં માથું નમાવતી વખતે,રીક્ષામાં તલગાજરડા જઈને બપોરનો પ્રસાદ લેતી વખતે,સગા ભાઈઓ જેવા દોસ્તો સાથે મહુવાના ગેસ્ટ હાઉસમાં મસ્તી કરતી વખતે,બંને સંગોષ્ટિની વચ્ચેના ફ્રી ટાઇમમાં ભર બપોરે ગુરુકુળની નાળિયેરીઓ નીચે ઘસઘસાટ ઊંઘતી વખતે,લાઈટ હાઉસના દરિયે આથમતા સૂરજને આંખે આંજતી વખતે,ચામડી બાળતી ગરમીમાં પણ આનંદ આપતી ક્ષણોમાં ખિલખિલાટ હસતી વખતે ખબર નથી પડતી…..બધું જ માણીને આપણા કાયમી મુકામે પાછા ફરીએ ત્યારે જે ભાવ જન્મે છે એ જણાવે છે, ‘આ ધન્યતાના દિવસો છે.’

ધન્યતાના દિવસો માન્યતાઓના ખંડન અને સત્યના સ્થાપનની ભૂમિકા હોય છે.

હજુ સેંકડો શબ્દોમાં આ ઘડીઓ વિશે લખી શકું તેમ છું. પણ હું એવું કરીશ નહીં. થોડુંક વ્યક્ત થઈને બાકીનું બધું જ અવ્યક્ત રાખવામાં ધન્યતા વધુ ધન્ય થાય છે.

વર્ષ~૨૦૧૮ના આ અસ્મિતાપર્વ-૨૧ના સાથીઓ દિવ્યાંશ પરમાર,રામ મોરી,પ્રતીક સુખાનંદી, પ્રવિણ નાયકા,સુરેશ ચૌધરી, હિતેશ ચૌધરી,ગોપાલ યાદવ,વિશાલ કાછડીયા અને ફરહાદ શૈખએ આ ઘડીએ અંતરથી સ્મરું છું. સૌને પ્યાર.

!! જય સિયારામ !!

અસ્મિતાપર્વ-૨૧નો યુવાસંઘ
કાજલ ઓઝા વૈદ્ય અને રામ સાથે હળવાશની પળો
કિન્નર અખાડાના મહામંડલેશ્વર શ્રી લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના આશિર્વાદ લેતી વખતે
હકિમભાઇ રંગવાલા સાથે હું અને દિવ્યાંશ
જુનાગઢની રામકથા ‘માનસ નાગર’ ના શીલવંત સંચાલક શ્રી ભદ્રાયુ વચ્છરાજાનીને સપ્રેમ ‘સ્પર્શ’ આપતી વખતે
કૈલાસ ગુરુકુળના પરિસરમાં બિરાજમાન મા શારદા
જૂની રંગભૂમિના કલાધરો વિશે રજૂઆત કરતા શ્રી ઉત્કર્ષ મઝુમદાર
દેવકી સાથે
આનંદ
બેય વ્હાલા અને પ્રણમ્ય – જયભાઇ અને સુભાષ ભટ્ટ
અમે સૌ
અમે સૌ @ લાઈટ હાઉસ
રામ મારા અંતરના આરામ
કથકની રજૂઆત કરતા સુશ્રી રૂપાંશી કશ્યપ,શ્રી રોહિત પરિહાર અને સુશ્રી વિશાલકૃષ્ણ
ઠેકાણું
ગુરુકુળની નાળિયેરીઓ હેઠે નીંદર કરતાં અમે સૌ
ચોટીવાલા
બધાય બબુડીયા
Advertisements

પ્રેમ ભભૂતનો લેપ

પ્રેમીના શરીરમાં વહેતું લોહી શિવ તાંડવ અને કૃષ્ણ રાસલીલાના સ્વભાવનું હોય છે.
 
પ્રેમની વ્યાખ્યાઓએ પ્રેમની સરળતાને રંજાડી છે. જે મૌનની અનુભૂતિ છે એને શબ્દોનો શૃંગાર કરીને ધરાર બદસુરત કરવાની આપણી બળાત્કારીવૃત્તિ શંકર જાણે ક્યારે અટકશે ! માટે હું પ્રણયની વ્યાખ્યાઓમાં પડવાને બદલે ઇચ્છીશ કે હાલત-એ-ઇશ્ક બયા કરું. પ્રેમની વાતો ન કરું અને જાતને જાહોજલાલ કરતાં પ્રેમ પટારાને ખોલવાની અસફળ કોશિશ કરું. પ્રેમ સમજાવી ન શકાય એવું મને સમજાઈ રહ્યું છે. પ્રેમ જીવી શકાય અને કૃષ્ણકૃપા હોય તો જીરવી શકાય. અન્યથા સૌ જાણે છે કે સૌને કરવો છે રોમાન્સ અને માંસને ચૂંથવા સિવાય કશું હાથ લાગતું નથી. શરીર ભોગવીને પરિતૃપ્ત થવું ગમતો આવેગ છે. સ્તનોના સુંવાળા શિખરો પર ચઢાણ કરવાની હોંશ ન હોય એ મર્દ મધ વિનાના પૂડા જેવો છે. ‘અરસિકતા’ અને ‘અરરર’ વચ્ચે શબ્દભેદ છે બસ, બાકી બંને આઘાતસૂચક અને જોખમી છે.
 

માટે હું માત્ર તને અને મને જોડતા આ પ્રણયસેતુના મહાસાગરને આંખોમાં ભરવા કાયમ તમન્નાઓના તરાપા સાથે સફરે નીકળી પડું છું. વ્યાખ્યાઓ અને અભિપ્રાયોના કાદવમાં ખૂપ્યા વિના. સમાજના વૈચારિક પવન અને પરિસ્થિતીઓની ભરતી ઓટ સાથે ઝાઝો સંબંધ રાખ્યા વિના.

જેણે હૈયાની ઉષ્ણતા અને ટાઢક પર માત્ર પ્રિયજનના વ્હાલનું વાતાવરણ ઓઢાડી દીધું હોય એને બીજા કોઈ હવામાન સાથે નિસ્બત હોતી નથી. એક એવી માનસિકતા કે જ્યાં પ્રિયજનનું હોવું અને ન હોવું બંને ગૌણ થઈ જાય એ સ્થિતીને હું પ્રેમ સમજુ છું. તારી પ્રતિક્ષા કરતાં રહેવું એ જ મારી પ્રણયમંજિલ છે. હું મંજિલના પ્રવાસમાં છું. મારી સફર એ જ મારો આખરી મુકામ છે. જે કશક અને તીવ્રતાથી તારો ઇન્તેજાર મને ઝાર ઝાર કરે છે એના સહારે કહું છું…..હવે મને તું પણ ન જોઈએ. તારી ઉપસ્થિતી મારા ધૂની ફિરાકની ધૂણીને ઠારી દેશે તો જીવાશે કેમ ? અણીયારી ધાર પર જીવવાનો વૈરાગ લઈ લીધો હોય એને સુમેળ,સુચારુ,સુરક્ષિત અને સુકોમળ તરીકાઓથી પછી ઉબકા કરાવે. પ્રેમીને મહેબૂબ હોય છે અગવડતા અને પ્રેમીનો વિશ્રામ હોય છે અવ્યવસ્થા ! જેને ચાલવું છે સતત,પ્રેમ ફક્ત એના માટે જ જગા કરે છે. મંજિલ પ્રેમના ખોળામાં રમી ન શકે.

d943ad4244308ab865d99c49b877c020
धराधरेन्द्रनन्दिनीविलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्ततिप्रमोदमानमानसे । कृपाकटाक्षधोरणीनिरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि ॥

સમર્પણનો અહંકાર,સમય આપ્યાનો હિસાબ,હમબિસ્તર થવા હમસાથી થવાના કાવતરા,’હું બધું જ સમજુ છું’ એવી નાસમજી દર્શાવવા થતો શાબ્દિક વિલાસ,દુઃખી થવાનો દેખાળો અને હરખાયાનું પણ એલાન…… આ બિરાદરીનો તો હું નથી જ નથી. જેમને ખબર જ નથી એ સરનામું જ્યાં પ્રિયજનના સ્નેહનું સામ્રાજ્ય ચોવીસે કલાક અને બારેમાસ ઉત્સવ મનાવી રહ્યું છે, ચુંબનની એ કક્ષા જે જીવ્યા પછી હોઠ જવાન થયાની ઘોષણા ઘરનો જૂનો અરીસો કરે,ઉજાગરાની એ મધરાતી મખમલી કરવટો જે સવાર સુધીમાં તો જાગરણની અવસ્થા પકડી લે. આ ગતિ,મતિ અને સ્થિતી હું કોને સમજાવું જેને ક્યારેય જાંઘો વચ્ચેથી ડોક ઉંચી જ કરી નથી. રાધાના નામનું કીર્તન કરતાં અને શિવના લિંગ પર પયધારા કરતાં સૌ અહીં બારીએ આવતી ચકલીની બે ઘડીની ચીં ચીં પછી ચિડાઈ જઈને નેપકીનનો ઘા કરે છે. એમની પાસે ટહૂકા પર પ્રવચનો આપવાનો વાણીવિલાસ છે,ટહૂકા સાંભળવાનો ઠહેરાવ નથી. તેઓ પ્રતિઘાત કરી જાણે છે,પ્રત્યાયન એમના બસની વાત નથી. માટે હું એને પ્રેમી નથી માની શકતો. જેને મધ્યાહ્નનના સૂરજ સામે ફરિયાદો છે એને હું પ્રેમી નથી માની શકતો. જેને બધું જ જાહેર કરી દેવું છે એવા વેપારી માનસને હું પ્રેમી નથી કહી શકતો. જેને આંખ અને પાણીનું સાયુજ્ય નથી સમજાતું એને હું પ્રેમી નથી માની શકતો. જે અજાણ છે એ પ્રેમી છે. જે કાયમી પ્રવાસમાં છે એ પ્રેમી છે. જે સૌંદર્યનો ઉપાસક અને ભોગવવાની લાલચથી સહજ મુક્ત છે એ પ્રેમી છે. જેને શિવની દિગંબર અવસ્થા અને કૃષ્ણના શૃંગાર વચ્ચે કોઈ જ ફરક નથી લાગતો તે ભલે પૂજા અને મંદિરથી દૂર હોય,એ પ્રેમી છે.

અને પ્રેમ ? પ્રેમ બસ પ્રેમ છે. એની વ્યાખ્યા કરવામાં પ્રેમ કરવાનો સમય નીકળી જાય છે. ખોટનો ધંધો ન કરાય.

મહોબ્બત સ્વયં ખત છે ખુદાનો

એને ઉકેલીને આંખોને નિરક્ષર ન કર,

ઓ ઉલફતના અજવાળા !

મારી આંખ ખોલ ‘ને એમાં પાણી ભર.

લિ. પ્રેમી બનવા મથતો એક ફિરાકી.

{મહાશિવરાત્રીની આગલી રાતે.

બે હજાર અને અઢાર.}

‘જય પીર’ બાપાની જાતરા

કલાકાર વાદ્યને પસંદ કરે એનાથી વધુ અગત્યનું છે કે વાદ્ય કલાકારને પસંદ કરે.

-ઝાકિર હુસેન

બાળકોનું મન ભીની દીવાલ જેવું છે.જેવું તમે દોરશો એવું દિવાલના બે દિવસના સુકાયા પછી કાયમી રહી જશે. – સુધા મૂર્તિ

 સફળતા વિદેશ પ્રવાસ જેવી છે. ત્યાં જઈએ એટલે ઘર યાદ આવે. સફળતાના શહેરમાં ફરીને પાછું આવી જવાય

– જોસુઆ ફેરિસ 

          સુવિચારો સુંદર હોય છે,મંતવ્યો અસરકારક હોય છે પરંતુ અનુભવો ધારી અસર ઉભી કરવા સક્ષમ હોય છે.

      ઉપરના ક્વોટ જયપુર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન સગા કાને સાંભળેલા અનુભવો છે. કલાક-સવા કલાકના સેશનમાં એટલે જ બેસવાનું હોય જેથી એમાંથી એક અમૂલ્ય વાત જડે. ઘણું જડ્યું. આ વાક્યો સ્થિર થઈ ગયા છે. એટલે મથાળે જ મુક્યા. જ્ઞાનની વાતો કરવાનો કોઈ મકસદ નથી નહીંતર એ પણ કરત. બહેતર છે એ જ્ઞાન મેળવવા તમે એ માહોલને રૂબરૂ થાવ. ત્યાંની યુવા વસ્તી અને એની મસ્તીને નરી આંખે જોવા ખર્ચાવ. માત્ર અહોભાવ કરવાથી કશું ન મળે. અને અફસોસ કરવો તો આપણી જીવનશૈલી છે. પણ હા,જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં તો જ જવું જો અંગ્રેજી સમજાતું હોય. 

       દિવ્યાંશ,કિશન અને હું અમે ત્રણેય અમુક નિર્ધારિત માનસિકતા સાથે જયપુર ગયા હતાં. વધુ નાણાકીય ખર્ચ ન થાય અને બિનજરૂરી એકપણ રૂપિયો ન ખર્ચાઈ એની શક્ય તેટલી વધુ કાળજી રખાઈ હતી. રાતવાસો કરવાના હેતુમાત્રથી ગુજરાતી સમાજમાં આશ્રય લીધો. ગુજરાતી સમાજમાં રહેવાનો સૌથી સારો ફાયદો એ રહ્યો કે લિટરેચર ફેસ્ટિવલનું વેન્યુ દિગ્ગી પેલેસ અહીંથી વોકિંગ ડિસ્ટન્સે હતું અને સાંજે સરસ મજાનું દેશી ગુજરાતી ભાણું મળતું હતું. (નવા સ્વાદ લેવાની સગવડ પરવડે તેમ નહોતી. )

       સવાર અલ્બર્ટ હોલના પહોળા રસ્તાઓ પર દોડીને,કસરત કરીને સેલિબ્રેટ થતી. અને લિટરેચર ફેસ્ટિવલનું પહેલું સેશન દરરોજ સંગીતના નામે રહેતું. વાયોલિન,પખવાજ,તબલાંગિટાર અને સૌથી વધુ દિલની કરીબ સિતાર જાન્યુઆરીના હૂંફાળા તડકા સાથે કાનોના કપમાં આસામી ચાયની જેમ પીરસાય. તનને તાજગી મળે અને મનને રાહત. સવારનું સંગીતમઢયું સેશન વણકહ્યું લેશન સાબિત થતું. પછી તો જેમ દિવસ આગળ વધે તેમ જુવાની ઠલવાતી જાય. ઢગલાબંધ જવાન જીવોની ઉપસ્થિતી ફેસ્ટિવલને સેલિબ્રેશન બનાવવાનું કામ કરતી. સૌ પોતાના મિજાજમાં મસ્ત હોય. અને છોકરીયું તો તૌબા….! છોકરાઓ વધુમાં વધુ દાઢી વધારે કે વાળની સ્ટાઇલ કરે પણ છોકરીઓના આઈ લાઈનર,લિપસ્ટિક,હેર સ્ટાઇલ અને સારા લાગે કે ન લાગે પણ ટ્રેન્ડમાં હોય એવા ડ્રેસિંગના સતત ચાર દિવસના દર્શનો મને એ કહેવાની છૂટ આપે છે કે સુંદરતાની બાબતમાં યુવાનો યુવતીઓ કરતા વધુ સહજ અને સુંદર થતાં જાય છે. રામ જાણે આ લોકોને કોણ કહેતું હશે કે મેકઅપ કર્યા વિના એન્ટ્રી નહીં મળે. અને જે વધુ મેકઅપ કરશે એને ગમતી સેલિબ્રિટી સાથે વાઉ વાઉ કરીને એક સેલ્ફી ખેંચવાનો મોકો આપવામાં આવશે. રીતસર મેકઅપના થથેડા હોય. ક્લોઝ અપ સીન જોવા મળે એટલે પત્યું. ખેંચાણ ખતમ થઈ જાય. ચુંબકની જેમ ખેંચાયા હોઈએ અને પથ્થરની જેમ દૂર  ફેંકાઈ જવાય. કેમેરાનું ઇઝી અવેલેબલ હોવું આવી દેખાડાની સુંદરતાનો મનોરોગ વધારી રહ્યું છે. ચોક્કસ,આ ઉંમરે જ આવી મસ્તી હોય,પણ આ એક પ્રકારની સેલ્ફ ઓબ્સેસ્ડ કરનારી મનોવૃત્તિ છે.

      જયપુર લિટરેચર ફેસ્ટિવલ સાહિત્ય સિવાયના ઘણાં પાસાઓ પર કામ કરતું આયોજન છે. એનું ઓડિયન્સ અલગ છે. એની પહોંચ અલગ છે. માટે જ એના વિષયો અલગ છે. એના વક્તાઓ ઇન્ટરનેશનલ છે. હાવારંવાર એક ઉણપ વર્તાતી રહી કે વક્તા ગમે તેટલો પાવરફુલ હોય જો એ સેશનનો સંચાલક નબળો હોય તો સર્જકના તળિયેથી ખોદકામ થતું નથી. કશું નવું બહાર આવતું નથી. બધી સામાન્ય અને રોજિંદી વાતો બહાર આવે છે. જે સરવાળે કશી કામની હોતી નથી. અનુરાગ કશ્યપ,વિશાલ ભારદ્વાજ અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા જાણીતા અને અન્ય ખૂબ નામાંકિત પણ પહેલી જ વાર ધ્યાને આવેલા ઘણાં વકતાઓના સેશનમાં આ બાબત ખૂબ નડી. એમના જવાબો એવું અનુમાન કરવા મજબૂત રીતે  મજબૂર કરે કે જો સંચાલક પાવરધો હોત તો આ વ્યક્તિના તબક્કેથી કલા તરફના દ્રષ્ટિકોણના બહેતરીન રસ્તાઓ મળી શક્યા હોત. 

      બિલકુલ આંકડાઓથી રમી શકાય એવું કલાઈમેટ ચેન્જ પરનું એક સેશન હતું. જેમાં જેફરી જીટલમેન કે જેઓ પુલિત્ઝર પ્રાઇઝ વિનર છે એમણે ભારતની કરંટ સરકારની કલાઈમેટલક્ષી નિષ્ક્રિયતા પર સપ્રમાણ વાતો મૂકી અને એ જ પેનલના અન્ય વક્તા પ્રેરણાસિંઘ બિન્દ્રા  કે જેઓ ભારતીય વન્યજીવન નિગમના સભ્ય અને વન્યજીવન પર કામ કરતાં લેખક છે તેઓએ દિલ્હીના પ્રદુષણથી લઈને,ભારત અને વિશ્વના હવામાન પર હકીકતલક્ષી અહેવાલ આપ્યો. આ ઉદાહરણ આપવાનું કારણ માત્ર એટલું જ કે તેઓ બમણા ફૂંકનારા વક્તાઓ નહોતા. મૂળભૂત રીતે અભ્યાસુ જીવ હતાં. ઉકેલલક્ષી એટિટ્યુડ ધરાવતાં હતાં. અને પોતાના દાયિત્વને બરાબર સમજતાં હતાં.અને અહીં આપણે ત્યાં તેનો સદંતર અભાવ ધ્યાને આવે છે. ગમે તે માણસ,ગમે તે વિષય પર,ગમે તે મંચ પરથી,ગમે તેવી વાતો ફેંકે અને ઓડિયન્સ ઘેલી થઈને સાંભળી લે છે. એ વિચાર્યા વિના કે આ આખી એક કલાકના અંતે એક શ્રોતા તરીકે મને સમાધાન શું મળ્યું અને આપણા વક્તાઓ પણ બેફામ વધુ અને વિષયલક્ષી ઓછા હોય છે. આ નવી શીખવા મળેલી તુલનાઓ છે. તમને અહંકાર લાગે તો એ તમારો પ્રશ્ન છે. 

     IMG_5428

        ફોટા ખેંચવા અને શેર કરવા એ મારો શોખ છે. મારી ગમતી પ્રવૃત્તિ છે. એ દેખાડો બિલકુલ નથી એ ધ્યાને લેવું. દિલ્હીનું જશ્ન-એ-રેખ્તા હોય કે જયપુરનો લિટરેચર ફેસ્ટિવલ…..આવા આયોજનોમાં જવાના મારા હેતુઓ સ્પષ્ટ છે. ભાષા પર ભપકાદાર લખાણો કરવાથી તમે શ્રેષ્ઠ સાબિત નથી થઈ જતાં. તમને પાંચ હજાર માણસો ઓળખે એનાથી તમે લોકપ્રિય સાબિત નથી થઈ જતાં. એક અર્થમાં સફળ હોવા છતાં હજુ કેટલી સફર કરવાની બાકી છે એનો હિસાબ માંડવા આવા આયોજનોમાં જવું જરૂરી છે. દુનિયાનું સાહિત્ય અને દેશનું યુવાધન કયા પ્રકારે બદલી રહ્યું છે એ જોવા અને સમજવા આવા આયોજનોમાં જવું જરૂરી છે. કેટલું જાહેર થવું એ અંગેના વર્તુળના રેખાંકનો આપણે જાતે નક્કી કરવાના હોય છે. અને કયા મિજાજથી અમર્યાદિત થવું એની સમજ પણ જાતે નક્કી કરવાની હોય છે. એના દિશાસૂચન ઘણીવાર આવા કાર્યક્રમોવતી ધ્યાને આવતાં સર્જકો કરતા હોય છે. બારીક કામ છે. રેશમના ધાગે અતૂટ વસ્ત્ર બનાવવાનું કામ છે. 

    બાકી સેલિબ્રિટીઝ તો હોય હવે. સ્ટેજ પર આવે. એને રૂબરૂ જોઈને શરીરમાં ધસમસતુ લોહી ગરમ થાય. મજા આવે. પણ મુદ્દો એ નથી કે સેલિબ્રિટીથી રૂબરૂ થવાયું. મુદ્દો છે એ સેલિબ્રિટી સ્ટેજ પર કયા ઢંગથી પહોંચી છે એ સફરને જાણવી,સમજવી અને એમાંથી વ્યક્તિગત ક્ષમતા મુજબની શીખ લેવી. કહ્યું ને….બારીક કામ છે. અમે બહુ પ્રતિષ્ઠિત લેખકો અને સેલિબ્રિટીના સેશન અધવચ્ચે છોડયા છે. ગપગોળા કરતાં હોય એની પાછળ સમય બરબાદ  કરવાનો કોઈ અર્થ નથી. પછી એ શોભા ડે કેમ ન હોય ! અને ઘણાં તદ્દન અપરિચિત વકતાઓને દિલથી સાંભળ્યા છે,કારણ કે એ સ્પોન્ટેનીયસ હતાં.સહજ હતાં.જેવું એ સહી માયને મે માનતા હોય એવું જ જતાવતા હતાં. શ્રોતાઓને ગુમરાહ કરવા એ ગુંડાગીરી જેવું જ અમાનવીય કૃત્ય છે. 

       મને લાગે છે કે આવી મુલાકાતો પૂર્ણ થયાં બાદ જ શરૂ થતી હોય છેઆ એક નાનકડો છતાં સુંદર ગર્ભિત શુભારંભ છે એવું હું અનુભવી રહ્યો છું. આમેરનો કિલ્લો યાદ આવે છે. સામેની રાંગેથી એક તોપ ફૂટી છે અને મારી અંદરની અમુક નબળી માન્યતાઓની દિવાલોના ફૂરચા ઉડ્યાં છે. ભીતરના ભવનમાં ભણતો વિધ્યાર્થી સહેજ હોંશિયાર થયો છે. એ સ્પર્ધાથી આગળ નથી વધી રહ્યો પણ એને લાગે છે કે એ જે સ્કુલમાં ભણી રહ્યો છે એમાં મોટાભાગના વિધ્યાર્થીઓ ઠોઠ છે. દાંડ છે. કામચોર અને બરતરફીને પાત્ર છે.

      આટલું જતાવ્યા પછી પણ એ સત્ય મારે છેલ્લે કહેવું જ રહ્યું કે ચાર દિવસના અખંડ યજ્ઞમાંથી મેં ધુપેલીયામાં સમાય એટલાં જ અંગારા અહીં વેર્યા છે.

 

વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે ફેસબુકના નીચે જણાવેલ સરનામે આંટો મારવો.

JLF- ‘018 Images

દખ્ખણના દરવાજે

આસમાન પાસે,સમંદરના ગર્ભમાં,ફૂલોની ત્વચા પર અને માછલીના બદન પર રંગોનું શ્રેષ્ઠ વૈવિધ્ય જોવા મળે છે. શબ્દોની લીલા અવશ્ય કામ કરે છે પરંતુ વાત જ્યારે પ્રકૃત્તિનો અનુભવ કરવાની આવે ત્યારે એને માણવા સિવાય એનો બીજો કોઇ ઉપચાર જડતો નથી.

વલસાડને કેંદ્રમાં રાખીને વર્ષ બે હજાર સતરના અંતિમ પખવાડીયામાં દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતાં,જે જોયું,જે માણ્યું અને જે અનુભવ્યું એનો હિસાબ સંભવ નથી. એ મારી પૂંજી છે. મને લાગે છે આ ત્રણ દિવસને રજૂ કરીને હું એ લમ્હાઓ સાથે નાઇન્સાફી કરી બેસીશ. એટલે એની કોઇ જ વિગતવાર વાત મારે નથી કરવી. બસ મારે કેમેરે કંડારેલ એ તસવીરોને બોલતી કરવાનો પ્રયાસ કરવો છે જે સ્થિર છે છતાં ક્યાંક પ્રવાસમાં છે.મારા એહસાસમાં,મારા અનુભવમાં અને ભીતરના ભવનમાં છે.

શૈક્ષણિત રીતે થોડા પછાત અને નૈસર્ગિક રીતે અત્યંત સમૃધ્ધ આ વિસ્તાર પાસે ઘણુ પડ્યું છે. એ જોવા અને માણવા તેજસભાઇ જેવો કોઇ ત્યાંનો અલ્હડ,સમસ્વભાવી,માથાફરેલ અને દેવનો દીધેલ કોઇ મિત્ર જોઇએ કે જે જાણીતી નહીં પણ જાગેલી જગાઓએ રખડવા દોરીસંચાર કરે. એવી જગાઓ જે રુક્ષ છે અને અનટચ્ડ છે. વણખેડાયેલી અને માસુમ છે. નિતાંત પ્રાકૃત્તિક અને નગ્ન છે. સન્નાટો જેનો શૃંગાર અને સહજતા જેનો સ્વભાવ છે.

પહાડો પાસે ઉંચાઇ અને નમ્રતા બંન્ને હોય છે. જંગલ પાસે જાનવર અને આરક્ષણ બંન્ને હોય છે. નદી પાસે તાણ અને પારદર્શકતા બંન્ને હોય છે. અને હું ધીરે ધીરે પરમની કૃપાથી સમજી રહ્યો છું કે બહેતર ઇન્સાન બનવા પ્રકૃત્તિથી વિશેષ પાઠશાળા બીજી કોઇપણ નથી. શાયદ,અનુભવથી પણ ઉંચેરી ! આ કહેવું એક વાક્યમાં પૂર્ણ થઇ જાય છે પરંતુ આ સમજવા ધરતીના ખોળે માથુ નાંખ્યા સિવાય કોઇ ઉપાય નથી. ઘરનો ઊંબરો કૂદવો જ પડે. જાતને ગિરવે મુકવી જ પડે. અને ફરી ફરીને ગાંડપણની ઝોળી લઇને ખાનાબદોશીના ખેતરે હૈયાનું હળ હંકારવું જ પડે.

તીથલના ઘૂઘવતાં દરિયાના કિનારે વગર કોઇ અજવાળે માત્ર અનુમાનના આધારે ચાલતાં,પિંડવળના જંગલોમાં ભરબપોરે ભમતાં અને ખળખળ ઝાંઝરને પહેરી વહેલી સવારે નાચતી આવધા ગામની નદીને માણતાં લાગ્યું નિસર્ગનું આલિંગન વિચારોનો વિકાર નાબૂદ કરવાની જડીબુટ્ટી છે.

આ ત્રણ દિવસ (૨૩-૨૪-૨૫/૦૧૭) એક નવો શુભારંભ છે.

અભિષેકની ભીતરનો એક ભૂમિભાગ એને તાબે છે.

આગે કી કહાની,તસવીરો કી જુબાની……

IMG_20171226_213619
અલમોસ્ટ સ્વાદ વગરનું છતાં આદિવાસી સમાજનું કાયમી ભાણું જમતાં
IMG_20171225_120312
જંગલમાં રખડતાં જડેલી એક મોચી સાથે તેજસભાઇ
कोई सरहद ना इन्हें रोके
IMG_20171225_091908_HDR
મશગૂલ
20171223144244_IMG_3081
વનવગડામાં નિરાંતને ઓશીકે

 

છેડા વગરનો છેડો

 

20171225104323_IMG_3349
આવનારા ફૂલની રાહે રસ્તો જોતી એક ડાળ
2
ઊઘડતી સવારે 
જીવનનદી
7
અજમલગઢને કાંગરેથી
14
થડને પણ પ્યાસ હોય છે
9
આપણે બેય પાણી અને ખેતર જેવા થઇ જઇએ.એકબીજાના પૂરક.
સુરજ અડે અને એક પછાત વૃક્ષ બને સોનાનું ઝાડ
12
મારા સુર્ય જેવા આવેગો સામે તારા હોઠની જેમ ચમકતું પાણી

 

 

20171225103728_IMG_3336
સંભાવના

 

6
સોનેરી અને સુનહરી સફર
5
સડકને ચુમવા મથતો સુરજ
3
કિરણવર્ષા

 

20171223122131_IMG_303120171223122324_IMG_303320171223122505_IMG_3038

20171223120936_IMG_3009
‘ गुलों में रंग भरे, बाद-ए-नौबहार चले

चले भी आओ कि गुलशन का कारोबार चले ‘ – ‘फैज़’

 

 

કાયનાતની કોઇ નાત નથી હોતી.

મોસમનો સ્વભાવ છે પરિવર્તન. ઋતુ એ જ હોય જે બદલતી હોય,સ્થાયી ન હોય,સ્થૂળ ન હોય,સૂક્ષ્મ અને બારીક હોય. મને લાગે છે નદી મોસમ છે. કારણ કે એ સતત પ્રવાહિત છે,પરિવર્તીત થતી રહે છે,વહેતી રહે છે અને ભૂગોળ મુજબ બદલતી રહે છે.સુગંધ નદી છે,કારણ કે સુગંધ નદીની જેમ પ્રવાહમાં હોય છે. સંબંધ મોસમ છે કારણ કે સંબંધ સતત એનો આકાર અને અહેસાસ બદલતો રહેતો હોય છે,સંબંધમાં માવઠું અને ચોમાસુ બંન્ને હોય. લૂ અને કૂણો તડકો બેય હોય. ભૂકંપ અને પૂર,અંધારું અને અજવાળું બંન્ને હોય. 

બધું જ આ અર્થમાં એક જ લાગે છે. પ્રકૃત્તિના એકપણ અંશને એક જ વ્યાખ્યામાં બાંધી રાખવું એ ખડકવૃત્તિ છે. જડતા છે. ઝરણું જ તો નદી બને છે,નદી જ તો સાગર બને છે,વાદળ સાગરમાંથી બને છે,એમાંથી વરસે એ વરસાદ અને વરસાદ જ તો છે ઝરણાનું પિયર. 

અઘરી એક જ વાત છે વ્યાખ્યાઓમાં પડતી માનસિકતાઓ. બાકી સરળતા કોઇ દૂરનો મુલ્ક નથી,ગજવે ખનકતી જાગીર છે. અર્થો કરનારા મહારથીઓ જ સહજ લયની અરથી કાઢી રહયાં છે. આવા ડહાપણના કૂળના બોદાઓને મારે એટલું જ કહેવું છે કે ચૂપ રહો તમે સૌ. મને મારો વ્યક્તિગત અર્થ કાઢવા દો. મારે તમારો એકપણ અભિપ્રાય નથી માનવો. હું અભિમાની નથી કે બળવાખોર પણ નથી. પણ હું મારા સ્વભાવમાં વિહરતો માણસ છું. મને મારી વ્યક્તિગતતા છે. તમારા અનુભવોને વંદન. પણ એને સ્વીકારવો કે નહીં એ નિર્ણય મારો જ હોય. આ અબાધિત અધિકાર હું જન્મ સાથે લઈને આવ્યો છું. મને મારો વરસાદ છે,મને મારી ટાઢ છે,મને મારી ખામોશી અને મારી રાડ છે. બૂમ એક જ રેન્જથી પડઘાતાં અવાજમાં પડે એને જ કહેવાતી હોય તો મારી અંદર સતત થઈ રહી છે એ ખામોશ બુમાબૂમીને કેટલા અને કયા ડેસીબલમાં માપશો ? એનો તો અવાજ સાંભળી શકે એવા કાન જ તમારા દેકારાપ્રેમી માનસને ઊગ્યાં નથી. એટલે શું એ બૂમ નથી ? ટીસ અને ચીસનો ભેદ પાડવાની તમને અનુમતિ કોણે આપી છે ? 

હું માનું છું કે મને સાવ સફળો કરીને જગાડી દેતો અને આંખે જાકળ લાવી દેતો સ્વયંભૂ વિચાર એ જ મારી સવાર છે. હું જાગુ છું એ ઘડિયાળના સમયને સવાર કહેવામાં મને કોઈ આપત્તિ નથી પણ હું માનું છું એ સવારનો વિરોધ કરવાનો તમને મેં જ હક નથી આપ્યો. કુદરતની પ્રત્યેક હરકત અવ્યાખ્યાયિત છે. એને અનુભવવાની હોય,વ્યાખ્યા થતાં જ એ સીમિત થઈ જાય છે. ફૂલ ધારે તોયે એક જ જગ્યાએ રોજ ન ખરી શકે. જગ્યાભેદ થાય જ. અને વળી હવા આવીને એનું સરનામું બદલી નાંખે. આયોજન કરીને સનસેટ જોવા ગોઠવાયા હોઈએ પણ વાદળાં આડા આવીને ટટ્ટાર ઊભાં થઈ જાય તો તમે એનું શું ઉખેડી શકશો ? 

પ્રકૃત્તિ કેટલી સ્વાવલંબી છે અને તમે તમને જુઓ ! તમને આવવી જોઈએ પણ તમને શરમ આવતી નથી. સમજ તો ક્યાંથી આવશે ? 

વહેતાં પાણીના ટહૂકા

ધોધ પાસે કોલાહલ છે. નદી પાસે કલ કલ છે અને દરિયો ગર્જના કરે છે. જુઓ,ધોરિયામાં વહેતુ પાણી અવાજ નથી કરતું. કેનાલમાં સતત ચાલતું પાણી બોલતું નથી.કુવાના પાણી પાસે સન્નાટો છે. હવેડાનું પાણી કે ટાંકાનું પાણી એની મેળે ખળખળી ન શકે. એની પાસે એ સ્વાવલંબન જ નથી.  વળી નળિયાના નેવેથી ઢોળાતું અને વરસતું પાણી મૌનના પક્ષે નથી. એ એનો અવાજ મૂક્યાં વિના રહેતાં નથી. 

પ્રકૃતિના પ્રવાહી સ્વરૂપનું આ વૈવિધ્ય કેટલું સૂચક છે. કુદરતી વહેણ સંગીતમય છે. માનવીય તરીકાથી વાળેલું પાણી ખામોશ છે. એની ખામોશીનું કારણ એ પોતે નથી, માણસે એને એના સહજ પ્રવાસમાંથી ચૂંટી એને વાળ્યું છે માટે એનો અવાજ હણાઈ ગયો છે. સાહજિકતાનો બલાત્કારે સ્પર્શ પણ જુલ્મ છે. ડાળીના ફૂલને ફૂલદાનીમાં ગોઠવવાની મનોવૃત્તિ માણસની હિંસકતાનું પ્રમાણ છે. છત જરૂરત છે,માન્યું. પણ તડકો ઘરમાં ન આવવા દેવાની આપણી આ વૃત્તિને કારણે રોગ ઉભરાઈ રહયાં છે. આપણે આશરો કરવાની ઉતાવળમાં અમૂલ્ય નિદાનોને બારણા બહાર ધકેલી દીધા છે એ વિચારવું,આ ફ્લેટયુગમાં જરા વિશેષ જરૂરી બની ગયું છે. શાયદ ત્વચાને છાંટો જોઈએ છે,રૂમાલ જોઈએ છે,ચંદન જોઈએ છે,જાકળ અને સૂર્યોદય જોઈએ છે. આપણે પુરવણી સાબુ,પાઉડર,બુરખા અને રઝાઈની કરી છે. 

બીમારી આંખની છે અને દવા ઘૂંટણની ચાલે છે. 

†*****†******†*****†*****†*****†*****†*****†*****†

વર્ષ-૨૦૧૫ના નૂતનવર્ષનો સૂર્યોદય. ઋષી-કેશની ગંગા.

સમુદ્ર મૌન અને ગર્જના બેઉ જતાવી શકે છે. કોઈ ચાંદ જેવું તત્ત્વ સાંપડે તો માણસ ભરતી અને ઓટ બંન્નેને જીવી શકે,જીરવી શકે,જોઈ શકે એનું દર્શન સમુદ્રના અમાવસિય અને પુનમિય પ્રદર્શનમાં છે.સમંદર એટલે અંદરનું સમ અને નદી એટલે જીવન જીવવાની કેડી. જે કેડી અંદરના સમ તરફ જઈ જાય તે નદીના સમંદરમાં સમાવાની ઘટના છે. એનો ઉત્સવ કરવો. માન્યતાઓના બંધ બાંધી એને રોકવાની હોંશિયારી કરવાથી ગામના ખેતરોને પાણી મળશે પણ ગંગાસાગરના ભોગે.

એને વહેવા દો. વહેવું એ જ નદીનો સ્વભાવ છે. બંધ માણસની ભૂખનો નમૂનો છે. સ્વાર્થી માણસ કેવો હોય ? એવો સવાલ નદીને પૂછવામાં આવે તો નદી રડતી આંખે પોતાના પ્રવાહ આડે બનેલો પુલ ચીંધે. ઇન્જેક્શનની સિરીજની જેમ જ્યાં ને ત્યાં એના બદન પર ભોંકાતી પાઇપો ચીંધે. આપણે આપણા ખેતરોમાં એક અબળાનું લોહી સીંચી રહયા છીએ એવું કહેવું ક્યારેક ના છૂટકે પડે છે. આ ઉત્ક્રાંતિનો વિરોધ નથી.બંધ સિંચાઈ માટે જરૂરી છે,એ વાસ્તવિકતાને નકારી ન શકાય પણ પ્રત્યેક નદીને વગર કારણે વાળવી કે બાંધવી એ દિકરીને ધરાર પરણાવવા જેવું જ દુ:સાહસ છે. એનાં પડઘા લાંબાગાળે સારા નથી પડતા.

માધવપુરનો મોસ્ટ ફેવરિટ દરિયો

કેટલું વેધક સૂચન છે આ દેશની સ્થિતિનું કે બેટી બચાવો અને નદી બચાવોના અભિયાન એક જ કાળમાં થઈ રહયાં છે. બંન્ને પોકળ છે છતાં ચાલી રહયાં છે. બળાત્કાર અને વરસાદી પૂર એક જ સમયે એનું પ્રમાણ વધારી રહયાં છે. નદી અને નારી બન્નેના વિસ્તાર વધી રહ્યાં છે પણ એની ઓરિજીનાલિટીના ભોગે. સ્ત્રી એનું સ્ત્રીસહજ લાવણ્ય ગુમાવે અને નદી પૂર બનીને ગામોના ગામો ધોઈ નાંખે એ બંનેનાં અર્થવિસ્તાર એક જ થાય. હા,એક જ થાય.

નસોમાં લોહીનું સર્ક્યુલેશન અટકે અને ખાલી ચડે છે ને ? ઈશ્વરના સંગીતમય પ્રવાહોને અટકચાળો કરીને આપણે એના લયને બહેરુ કરી રહયાં છીએ. ટહૂકા અટકે એના એંધાણ સારા નથી. 

ગિરાધોધ

આપણી આંખોમાં પાણી છે,શરીરમાં પાણી છે,લાળ રૂપે મોંમાં પણ પાણી છે. નોટ ઇટ ડાઉન,બધું જ પાણી સહજ છે. આંસુ રોકી શકાય,આંખોને ભીની થતી ન રોકી શકાય. શરીર એની અવસ્થા અને વ્યવસ્થા અનુસાર પાણીનું વહેણ ફેરવ્યા જ કરે છે. લાળનો સ્ત્રાવ અટકાવી ન શકાય. એક સામાન્ય મનુષ્ય તરીકે આપણે આ સામાન્ય તથ્યને સમજીએ છીએ એમ જ સચરાચરમાં ફૂટતાં અવાજોને આપણે એની મેળે વહેવા દઈએ. એને આપણી અંદર ભરીએ,નહીં કે એના તરફ ઓરમાયું વર્તન કરી ભાગતાં ફરીએ. 

આપણે માણસ છીએ. એક અર્થમાં દરિયો આપણો બાપ છે અને નદી આપણી મા છે. મને વ્યક્તિગત રીતે માણસને જળચર કહેવામાં કોઈ મુશ્કેલી નથી. કારણ કે માણસનું ભીતરી ભાવજગત ભીની માટીનું છે અને અને એ જગતની ભાષા છે ટહૂકો. ઊંડાણથી વિચારજો. વાત ઘણી મહત્વની છે ભેરૂડાવ. 

વિક્રમ સંવત ૨૦૭૪ ના શુભારંભની શુભકામનાઓ. 

મજા આવી રહી છે

સયાના લોકોનું સતત એક જ સૂચન રહ્યું કે ‘મજા આવે તે કરો. જે કામ કરવાથી તમને આનંદ આવે તે કરો.’ ખૂબ સંભળાતી આ લાઈનો કોમન થઈ ગઈ છે. લોકો ગળે થૂંક ઉતારે એમ આવી લાઈનો ઉતારીને ટાઢા થઈ જાય છે. કોઈ હલચલ નહીં,કોઈ મોટો ફેરફાર નહીં.

મજા આવવી કામનું ફળ છે,અને તસલ્લી થવી એ કામનો અંતિમ રસ છે. 

મજા લેવી છે બહુ બધાંને,મજા આવે છે બહુ ઓછાને. કારણો તપાસવા બેસીએ તો રાતોની રાતો વીતે,નિરાકરણ મળે જ- એમાં શંકા છે. 

ત્યારે લાં….બી ચર્ચામાં પડવાને બદલે ‘મને શું લાગે છે?’  એ અત્યંત મહત્વની બાબત છે. હું મારો પોઇન્ટ ઑફ વ્યૂ દર્શાવું એમાં અહંકાર નથી,મારી દ્રષ્ટિ છતી થાય છે. અભિવ્યક્તિ વ્યક્તિગત મામલો છે,એને અહંકાર સાથે જોડીને સામાન્ય દ્રષ્ટિકોણનું ઉખાણું કરવાની આપણી મનોવિકૃત્તિએ કેટલીય ચેતનાનોને એની હયાતીમાં સ્વીકારી નથી અને એનું બહુ મોટું નુકશાન આપણે ભોગવી રહયાં છીએ. નજર સામેથી નદી વહી રહી છે એને સ્વીકારી એનો આનંદ કરી લો,એ ક્યાંથી આવી છે અને ક્યાં જઈ રહી છે એ ગણિતમાં પડવું એ જ ‘મજાનું ન મળવું’ છે. આયોજન બુદ્ધિનું બાળક છે,મજા ભીતરનો માહોલ છે. ગામના લોકોની સરાહના મુજબ જીવવાનું,પોતાની ભૂલો અને મર્યાદાઓને જાહેરમાં ઢાંકીને ખાનગીમાં પંપાળવાની,મોઢામાં લાળ હોય અને બહાર વિરકતીની હોંશિયારી ઠોકવાની,અભ્યાસ કાંઈ ન હોય અને અભિપ્રાયો ઢગલાબંધ આપવાના,સાંજની વાતોમાં સવારનું છાપું બોલતું હોય,રાતની ઊંઘમાં દિવસની દુનિયાદારી ગોથા ખાતી હોય,ન જાત સાથે સંવાદ હોય,ન થઈ રહેલા કામો પાછળનો મકસદ ખબર હોય એવા માણસના માંહ્યલામા મજા બિચારી ક્યાંથી આવે ?

તમે તમારી મૂંઝવણોથી વાકેફ થઈ જાવ તો મૂંઝવણો પણ મજા આપે છે. હલકી કેમ ન  હોય,કારણ કે એ તમારી છે એ માનસિકતાને અપનાવી લો. એ સ્વીકાર નવા અનેક વિકારોને તમારી અંદર ઘુસવા નહીં દે. તમારી અંદરની સુંદર આદતોને મમળાવો, સૂકી અને વસૂકી ગયેલી ડાળીઓમાં નવા કોટા ફૂટશે,નવા સેરડાં ફૂટશે. જે માનસિક રીતે ત્રસ્ત કરે છે એ તમામ પ્રવૃત્તિ કરવાનું ટાળો,વૃત્તિઓ બદલવા માંડશે. દરરોજ એકલાં પડો, ખુદને મળો,ખુદાઈ ક્ષણો મળવાની સંભાવના જાગશે. વિસ્મયને યુવાન કરતાં રહો,અહોભાવને કાબૂ કરો.સૌને સાંભળો,સ્વયમનું કહ્યું કરો. જાહેરમાં હસી લો,ખાનગીમાં રડી લો. હસવું અને રડવું સાપેક્ષ છે.આંસું અને પૌરુષત્વને ગાંઠિયા જલેબી જેવોય નાતો નથી એટલે મર્દ કો દર્દ નહીં હોતાની ફિલ્મી ‘ફોકયાતી’માં જીવીને હેરાન ન થવું. દોસ્તો વચ્ચે પોતાની મજાક થવા દો,બીજાની મજાક ન થાય એવી જીભ રાખો. શરીરને ફીટ રાખો.ઉઠતાં સવાલો માટે મનન કરો.સાહજિક લયમાં જીવો. જે તમે નથી એવાં દેખાડા કરીને છેવટે તમે ખાડામાં જ પડવાના છો આ વાતને તમારા મગજના ખાડામાં રોપી દો. ચાલવાનું રાખો. સિધ્ધાંતોથી જાતને બાંધવાનું રહેવા દો પણ નિયમિતતાને અનુસરો. વૈચારિક રીતે અસ્તવ્યસ્ત રહેવું જરૂરી છે પરંતુ તમે જ્યાં રહો છો અને કામ કરો છો એ જગ્યાની આસપાસ સ્વચ્છતા રાખો. અઠવાડીયે એકવાર ઉપવાસ કરવાથી ભગવાન નથી મળવાનો,મહિને એકવાર નાચી લેવાથી કૃષ્ણ અનુભવાશે એ નક્કી. પ્રાયોરિટી સેટ કરો. ટ્રેન્ડમાં અને ઘરેડમાં વ્યક્તિગત રહો. તમારા શુભચિંતકો અને લાભચિંતકોને ઓળખી શકો એટલા ચાલાક રહો. અખબારોની વાતોને સત્ય માનવાની ભૂલ ન કરવી. ખુબ વ્યક્ત થવાનું ટાળો અને નખશિખ સટિક વાત……અનુભવ કરો,કશું જ માની ન લો.

મારી વાતો તમને ગળે ઉતરે તો એનો એક પ્રકારનો મને આનંદ હોય પણ તમે ન સ્વીકારો તો એનું મને દુઃખ જરાય ન હોય કારણ કે એ સ્ટેટમેન્ટ મેં મારા ક્યા-કેટલા અને કેવા અનુભવો પછી આપ્યું છે એનો તમને ખ્યાલ નથી. ઔર જો તુમ્હારે બારે મેં કુછ નહીં જાનતે,ઐસે લોગો કે ઇલઝામો સે દુખી હોના બુરી બાત હૈં. બહોત બુરી બાત હૈં. 

મુંજાવું,શોધવું,સમજવું,અનુભવવું,સ્પષ્ટ થવું,સ્વીકારી લેવું અને મજા આવવી- મને તસલ્લીના ઓડકાર પહેલાંના સાત  કોળિયા લાગે છે. એને પચાવવા જરૂરી છે. ચાવી ચાવીને જિંદગી જમીએ તો જિંદગીનો અપચો થતો નથી. બાકી તકલીફ તો રહેવાની દિકા !  

( ફોટો મેં જ પાડયો છે)