મજા આવી રહી છે

સયાના લોકોનું સતત એક જ સૂચન રહ્યું કે ‘મજા આવે તે કરો. જે કામ કરવાથી તમને આનંદ આવે તે કરો.’ ખૂબ સંભળાતી આ લાઈનો કોમન થઈ ગઈ છે. લોકો ગળે થૂંક ઉતારે એમ આવી લાઈનો ઉતારીને ટાઢા થઈ જાય છે. કોઈ હલચલ નહીં,કોઈ મોટો ફેરફાર નહીં.

મજા આવવી કામનું ફળ છે,અને તસલ્લી થવી એ કામનો અંતિમ રસ છે. 

મજા લેવી છે બહુ બધાંને,મજા આવે છે બહુ ઓછાને. કારણો તપાસવા બેસીએ તો રાતોની રાતો વીતે,નિરાકરણ મળે જ- એમાં શંકા છે. 

ત્યારે લાં….બી ચર્ચામાં પડવાને બદલે ‘મને શું લાગે છે?’  એ અત્યંત મહત્વની બાબત છે. હું મારો પોઇન્ટ ઑફ વ્યૂ દર્શાવું એમાં અહંકાર નથી,મારી દ્રષ્ટિ છતી થાય છે. અભિવ્યક્તિ વ્યક્તિગત મામલો છે,એને અહંકાર સાથે જોડીને સામાન્ય દ્રષ્ટિકોણનું ઉખાણું કરવાની આપણી મનોવિકૃત્તિએ કેટલીય ચેતનાનોને એની હયાતીમાં સ્વીકારી નથી અને એનું બહુ મોટું નુકશાન આપણે ભોગવી રહયાં છીએ. નજર સામેથી નદી વહી રહી છે એને સ્વીકારી એનો આનંદ કરી લો,એ ક્યાંથી આવી છે અને ક્યાં જઈ રહી છે એ ગણિતમાં પડવું એ જ ‘મજાનું ન મળવું’ છે. આયોજન બુદ્ધિનું બાળક છે,મજા ભીતરનો માહોલ છે. ગામના લોકોની સરાહના મુજબ જીવવાનું,પોતાની ભૂલો અને મર્યાદાઓને જાહેરમાં ઢાંકીને ખાનગીમાં પંપાળવાની,મોઢામાં લાળ હોય અને બહાર વિરકતીની હોંશિયારી ઠોકવાની,અભ્યાસ કાંઈ ન હોય અને અભિપ્રાયો ઢગલાબંધ આપવાના,સાંજની વાતોમાં સવારનું છાપું બોલતું હોય,રાતની ઊંઘમાં દિવસની દુનિયાદારી ગોથા ખાતી હોય,ન જાત સાથે સંવાદ હોય,ન થઈ રહેલા કામો પાછળનો મકસદ ખબર હોય એવા માણસના માંહ્યલામા મજા બિચારી ક્યાંથી આવે ?

તમે તમારી મૂંઝવણોથી વાકેફ થઈ જાવ તો મૂંઝવણો પણ મજા આપે છે. હલકી કેમ ન  હોય,કારણ કે એ તમારી છે એ માનસિકતાને અપનાવી લો. એ સ્વીકાર નવા અનેક વિકારોને તમારી અંદર ઘુસવા નહીં દે. તમારી અંદરની સુંદર આદતોને મમળાવો, સૂકી અને વસૂકી ગયેલી ડાળીઓમાં નવા કોટા ફૂટશે,નવા સેરડાં ફૂટશે. જે માનસિક રીતે ત્રસ્ત કરે છે એ તમામ પ્રવૃત્તિ કરવાનું ટાળો,વૃત્તિઓ બદલવા માંડશે. દરરોજ એકલાં પડો, ખુદને મળો,ખુદાઈ ક્ષણો મળવાની સંભાવના જાગશે. વિસ્મયને યુવાન કરતાં રહો,અહોભાવને કાબૂ કરો.સૌને સાંભળો,સ્વયમનું કહ્યું કરો. જાહેરમાં હસી લો,ખાનગીમાં રડી લો. હસવું અને રડવું સાપેક્ષ છે.આંસું અને પૌરુષત્વને ગાંઠિયા જલેબી જેવોય નાતો નથી એટલે મર્દ કો દર્દ નહીં હોતાની ફિલ્મી ‘ફોકયાતી’માં જીવીને હેરાન ન થવું. દોસ્તો વચ્ચે પોતાની મજાક થવા દો,બીજાની મજાક ન થાય એવી જીભ રાખો. શરીરને ફીટ રાખો.ઉઠતાં સવાલો માટે મનન કરો.સાહજિક લયમાં જીવો. જે તમે નથી એવાં દેખાડા કરીને છેવટે તમે ખાડામાં જ પડવાના છો આ વાતને તમારા મગજના ખાડામાં રોપી દો. ચાલવાનું રાખો. સિધ્ધાંતોથી જાતને બાંધવાનું રહેવા દો પણ નિયમિતતાને અનુસરો. વૈચારિક રીતે અસ્તવ્યસ્ત રહેવું જરૂરી છે પરંતુ તમે જ્યાં રહો છો અને કામ કરો છો એ જગ્યાની આસપાસ સ્વચ્છતા રાખો. અઠવાડીયે એકવાર ઉપવાસ કરવાથી ભગવાન નથી મળવાનો,મહિને એકવાર નાચી લેવાથી કૃષ્ણ અનુભવાશે એ નક્કી. પ્રાયોરિટી સેટ કરો. ટ્રેન્ડમાં અને ઘરેડમાં વ્યક્તિગત રહો. તમારા શુભચિંતકો અને લાભચિંતકોને ઓળખી શકો એટલા ચાલાક રહો. અખબારોની વાતોને સત્ય માનવાની ભૂલ ન કરવી. ખુબ વ્યક્ત થવાનું ટાળો અને નખશિખ સટિક વાત……અનુભવ કરો,કશું જ માની ન લો.

મારી વાતો તમને ગળે ઉતરે તો એનો એક પ્રકારનો મને આનંદ હોય પણ તમે ન સ્વીકારો તો એનું મને દુઃખ જરાય ન હોય કારણ કે એ સ્ટેટમેન્ટ મેં મારા ક્યા-કેટલા અને કેવા અનુભવો પછી આપ્યું છે એનો તમને ખ્યાલ નથી. ઔર જો તુમ્હારે બારે મેં કુછ નહીં જાનતે,ઐસે લોગો કે ઇલઝામો સે દુખી હોના બુરી બાત હૈં. બહોત બુરી બાત હૈં. 

મુંજાવું,શોધવું,સમજવું,અનુભવવું,સ્પષ્ટ થવું,સ્વીકારી લેવું અને મજા આવવી- મને તસલ્લીના ઓડકાર પહેલાંના સાત  કોળિયા લાગે છે. એને પચાવવા જરૂરી છે. ચાવી ચાવીને જિંદગી જમીએ તો જિંદગીનો અપચો થતો નથી. બાકી તકલીફ તો રહેવાની દિકા !  

( ફોટો મેં જ પાડયો છે)

 

2 Comments

Leave a comment