છોટી-છોટી બાતેં

 

‘તને ગોળ ગળાના ટી-શર્ટ ઓછાં સ્યુટ થાય.’
‘તને લાંબા વાળ મસ્ત લાગે.’
‘તું રફ દાઢીમાં હોટ લાગે.’
‘ચડાવેલી સ્વિલ અને જીન્સ પર શર્ટ પહેરે ત્યારે તું જાલિમ લાગે.’
‘તને ડાર્ક કલરના કપડાં વધુ સ્યુટ થાય.’
આવું કહેનારી છોકરી લાઈફમાં હોય છે ત્યારે એની ઝાઝી કદર નથી હોતી. ટક ટક કરતી હોય એવું લાગે. બધી વાતોમાં માથું મારતી હોય એવું લાગે. ‘અરે હા બાપા….’ એવો કોમન જવાબ આપીને વાત આગળ વધતી અટકાવવાનું મન થાય. 
અને એ નથી હોતી ત્યારે……
અરીસો બોલકણો બને છે. બાઈકનો મિરર વ્યંગ કરતો લાગે છે. નાહી-ધોહીને બાથરૂમની બહાર આવેલું જવાન શરીર રૂપાળું લાગે છે પણ અધૂરું લાગે છે. શાયદ એને કોઈના પરવાળા જેવાં નખથી છોલાવું છે. શાયદ એને પહેરેલાં શર્ટ પર કોઈના પાલવનો છાંયો જોઈએ છે. શાયદ બેધ્યાનપણે સાંભળેલી ટક ટક પણ હવે વધુ ધ્યાન જાય છે. ફૂરસદ સાથે બેચેનીનો અજીબ નાતો બંધાઈ છે. પરસેવો પરસેવા સાથે ભળતો ત્યારે જામ બનતું,મળ્યાં પહેલાનો દિવસ લાંબો લાગતો અને મળ્યાં પછીની રાત દેકારો કરતી ડાકણ. 
રાત-મોબાઈલ-વાતો અને તોફાની મુરાદોનો ચતુષ્કોણ કોણ જાણે વિકલાંગ બનીને જમીનદોસ્ત થઈ પડયો છે. રાત લાંબી,ભૂખ ઓછી,જિંદગી ફિલ્મી અને ફિલ્મો રિયલ થવા માંડે છે. 
fdવ્યક્તિની હાજરી વિશેષ આકર્ષક નથી હોતી. સંબંધનું સફર જેવું છે. મંજિલની મજા નથી,મુસાફરીનો લૂત્ફ લેવાનો હોય છે. વ્યક્તિ હોય ત્યારે સામાન્ય લાગે. ન હોય ત્યારે કવિતા જેવી લાગે,સંભારણાં સમી લાગે,જરૂરી લાગે,વધુ જીવંત લાગે. માણસ તરીકે આપણે સૌ મોટાભાગે એટલે જ દુઃખી હોઈએ છીએ. આપણને દંતકથા વધુ રોચક લાગે છે. મૃગજળ,ફેન્ટસી,wow ફેક્ટર વધુ અપિલિંગ લાગે છે. ઘરની થાળી,ડોલ,ટેબલ,ફાઈલ,તકિયો, કબાટ,સાબુ અને આંગણું વાસ્તવિક છે. પણ આપણો જીવ ભમતો હોય છે આકાશગંગામાં,સમંદરની લહેરો પર,વિદેશના કોઈ કાફેમાં….જે હાથવગું નથી,શક્યતા સમું છે. 
સરકી ગયેલી રેતીની કણ કણ ફરી ભેગી કરી શકાય છે. સરકી ગયેલી વ્યક્તિ અંગે શેષ રહે છે માત્ર સ્મૃતિઓ. માણસને જીવતાં શીખવવું પડે છે. માણસને માણસ સાથે જીવતાં શીખવવું પડે છે. માણસને અન્ય માણસને જીવી લેવા શીખવવું પડે છે. 
કોમેન્ટ મોમેન્ટ બની જાય પછી તન્હા તન્હા લમ્હા કાપવામાં થાકી જવાતું હોય છે. જેટલું વહેલું સમજી શકાય એટલું નફામાં છે. 
ઇશારો :-
જિંદગીનું તો ખરૂં જ પણ વિશેષ મહત્વ શ્વાસનું હોય છે.

4 Comments

  1. Bahu j Saras……samjhi gayo bhai k “Pravaas chhe aa jindgi,Safar no shaane thaak..”

    Aapki ye Ink kabhi khatam na ho..

    Liked by 1 person

Leave a comment