સંઘર્ષગાથા – શબ્દોનું વેશ્યાલય

સંઘર્ષ યુવાનોને ગમતો શબ્દ છે. પ્રવાસ યુવાનોને ગમતી પ્રવૃતિ છે. વિરોધ અને અસ્વીકાર યુવામાનસનો કાયમી સ્વભાવ છે.

બેવજહ બોલવું એટલે એક અર્થમાં ભસવું !
બેવજહ બોલવું એટલે એક અર્થમાં ભસવું !

જેમ સુખની વ્યાખ્યા ન થઇ શકે તેમ સંઘર્ષની પણ વ્યાખ્યા ન થઇ શકે. બે ટંક ખાવાનું મળે એ એક પરિવાર માટે સુખ છે. અને બે કાર અને બે બંગલા હોવા છતાં અમુક પરિવારો પોતાને પછાત સમજતા હોય એ પણ આપણે સૌએ જોયું છે. સંઘર્ષની જો કે એક નવી તસવીર ઉપસી રહી છે જેમાં દેખાડાની લાયકાત સિધ્ધ કરવાની એક સાયલન્ટ સ્પર્ધા ચાલી રહી છે. માતા પિતાની નાંણાકીય અસ્વસ્થતા એમાં કોમન હોય. કહેવાતી સફળતાને અડેલા બધાને એ કહેવું છે કેટલા સંઘર્ષ પછી એ અહીં પહોંચ્યો છે. નદી એના ઉબડ ખાબડ રસ્તાઓની વાત નથી કરતી. પંખીઓ હવાની વધ ઘટથી વધુ વીંઝવી પડતી પાંખની શિકાયત નથી કરતા. કોઇ દરિયો વધુ ફંગોળાઇને ફરિયાદ નથી કરતો. ઊછાળા મારવા અને ફીણ-ફીણ થવું એ દરિયાએ સ્વીકારી લીધું છે. નદીને ખ્યાલ છે એનું મોસાળ છે પર્વત…ગતિ છે મેદાન અને મુકામ છે દરિયો. એનો રસ્તો આવો જ હોય એ એને સ્વીકારી લીધું છે. આવડા મોટા આસમાનમાં પવન એનો પરિચય બદલે જ એની સામે દલીલો અને ખુલાસા કરવાને બદલે ઠેકાણે પહોંચવા ઊડવાનું જ હોય એ પંખીઓએ સ્વીકારી લીધું છે. એક સાવ નવા ક્ષેત્રનો અનુભવ લેવા,માંહ્યલાની તસલ્લી માટે કરવી પડતી માથાકૂટો અભ્યાસક્રમ છે,લેશન છે, અનિવાર્યતા છે. એનો હોબાળો ન હોય, એનો હરખ હોય…કે આપણે એ જીવી શક્યા છીએ,કારણ કે આપણે એ જીવવાની હોંશ દાખવી હતી. એ રસ્તે જવાની આપણી જ ઇચ્છા હતી માટે એ દરમિયાન આવતી સમસ્યાઓ વિષે બયાનો આપતા રહેવા બિનજરૂરી ચર્ચા છે.

માણસને આદર્શો સ્થાપવાની ખંજવાળ હોય છે. મારી સંઘર્ષગાથા સાંભળીને બે જણનો જીવ જાગૃત થઇ જાય-એવું કંઇક ! તમારા સંઘર્ષમાંથી તમે જેટલો રસ અને જીવવાની કળા શીખી શકો એ જ સંઘર્ષનો સર્વોત્તમ અભિગમ છે. સંઘર્ષ કહેવાની વાત જ નથી. સંઘર્ષ જીવવાનો અહેસાસ છે. સંઘર્ષ આ અર્થમાં પ્રેમનો પર્યાય લાગે. આપણે ધારીએ તોયે ન જણાવી શકીએ…પ્રેમના અનુભવોની દાસ્તાન. ઉજાગરાની કવિતા કરી શકાય. ઉજાગરા દરમિયાન અનુભવાયેલા ડૂમાને હૂબહૂ રજૂ કરવામાં મૌન જ સેવવું પડે. શબ્દોની એક મર્યાદા છે. શબ્દ રસ નિષ્પતિનું કામ કરી શકે….શબ્દ એ અનુભવની ઉત્પતિનુ કામ ન કરી શકે જે તમે ખુદએ જે-તે સમયે નરી આંખે અને નરી જાતે જીવ્યું હોય. છતાં પ્રેમની વાતો સદીઓથી થાય છે…સંઘર્ષોની વાતો થાય છે,થઇ રહી છે,થતી રહેશે.

રજૂઆતોના દાયરામાંથી માણસ કંટાળે એટલે એને જીભના આંગણે મૌનનું પારણું બાંધવું પડે છે. ખામોશ થઇ જવું કળા છે.ખામોશ રહેવું સિધ્ધિ છે.ખામોશી સાથે સંવાદ સાધવો ઉત્તમ વાર્તાલાપ છે.ક્યારેક જાતને પૂછી જોવું કે મારા અનુભવોની વાતો કરીને હું સાબિત શું કરવા માંગું છું ? કહાની કોઇની પણ હોય…વાતચીત દરમિયાન એમાં મારે મારું પ્રકરણ કહેવાની શી જરૂર છે ? શા માટે કોઇપણ વાતમાં માણસ અગાઉથી જ ચીંથરેહાલ રીતે રજૂ થતી કોઇ વાહિયાત વાતમાં પોતાના અનુભવનું થીંગડું મારવાની ગુસ્તાખી કર્યા કરે છે? આમ કરવાથી માણસ તરીકે આપણે આપણા અહંકારને પોષણ આપી રહ્યા છીએ. ‘મેં ખુબ તકલીફ ભોગવી છે’ એવું જણાવીને આપણે સામેવાળાને આપણો પોકળ સંઘર્ષ જતાવી રહ્યા છીએ.

સમસ્યાઓને જીવવાનો જ નહીં સમસ્યાઓને આલિંગન આપીને ચાહનારો શખ્સ ક્યારેય પોતાની પીડાને શબ્દો આપવાની ભૂલ નહીં કરે. કૃષ્ણ એનું સર્વોત્તમ ઉદાહરણ છે. કૃષ્ણનો રાસ, કૃષ્ણનો પ્રેમ કરવાનો અંદાજ, કૃષ્ણની લીલા અને કૃષ્ણની ગીતા સૌને પ્યારી છે…કોણ જાણે છે મોરપીંચ્છના મેઘધનુષી રંગોને મુકુટમાં સજાવીને મુસ્કુરાહટ વેરતા કૃષ્ણના અંતરનું રેગિસ્તાન ! કૃષ્ણએ ભારતીય સંસ્કૃતિનો પરિચય આપી શકે એટલી બળવાન અઢાર અધ્યાયની ભગવદગીતા આપી પણ પોતે જીવેલા સંઘર્ષની એક સુરખી પણ ક્યાંય જતાવી નથી. ભગવન ચરિત્રોમાંથી આટલે પ્રેરણા લેવાના બમણાં ફૂંકતા આ દેશના નાગરિકો વિષ્ણુ અવતારના આ આયામને કેમ અનુસરતા નથી ? રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘કોણ જાણે છે જીણા મૂંઝારા ?

વાચાળતા આદર્શ વ્યક્તવ્યોની શોભા છે પણ એક સરળ વ્યક્તિત્વમાંથી ઉમદા ચરિત્ર બનવા માટે અમુક બાબતોમાં મૌન સેવ્યા વિના છૂટકો નથી. આવી આદતની કેળવણી અગર ન થાય તો કંઇ ફાંસી ન થાય….જીવન એવું જ જીવાય જેવું સેંકડો લોકો જીવે છે અથવા તો જીવીને જતાં રહ્યાં છે. હા, પ્રત્યેક વાતમાં સંઘર્ષનો સ્વાનુભવ જતાવવાથી જાતને સહેજ ઊંચે લઇ જવા આવેલા એક અનુભવનું બાળમરણ થવાની સંભાવના ચોક્કસ રહેલી છે.

મૌન તપસ્વીઓની જ જાગીર નથી, માણસ તરીકે આપણા સૌની દૌલત છે….એને શબ્દોમાં વેડફીને હાથે કરીને આપણે કેટલું નુકશાન વ્હોરી રહ્યાં છીએ એ સમજવા મૌનનો આશ્રય લેવો અનિવાર્ય છે. સંઘર્ષ સ્વાભાવિક ઘટના છે….એને ચગાવી મારવાથી કંઇપણ સિધ્ધ થતું હોય તો એ આવશ્ય કરાય. પણ સદીઓના ઉદાહરણો આપણી સૌની પાસે છે કે આપણે બોલી-બોલીને સરવાળે કંઇ સાબિત નથી કરી શકતા. ત્યારે કેમ એક એવી રાહને ન અનુસરીએ જે નિ:શબ્દ છે છતાં સક્ષમ છે. ખામોશ છે છતાં અર્થસભર છે.

શબ્દોની સેના રઝળાવ્યા પછી પણ કંઇ સાબિત થતું નથી…. આથી મોટો સંઘર્ષ કયો હોઇ શકે ?              

Advertisements

One thought on “સંઘર્ષગાથા – શબ્દોનું વેશ્યાલય

  1. જોયેલું મે એક કબુતર જેનો માળો તિતર-બિતર થવા છતાં તે તેને ઘૂરવાને બદલે એ જગ્યાએ ફરીથી માળો બાંધવા લાગેલું ..!!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s