અમૃતા અને ઓથાર

  • “અમૃતા”

સજાગતા સાથેનું વાંચન સજ્જ કરે છે,કોઇપણ પ્રકારની જાગૃતિ વિના-નવરાં હોવાના નાતે વાંચવું હવે વાજબી નથી લાગતું. વાંચન અખબારી ઢબે ન થવું જોઇએ.વાંચન પ્રવાસની માફક પુરી મૌજથી થવું જોઇએ. હું કોઇપણ પુસ્તક શરૂ કરતાં પહેલાં બે બાબત ખાસ નોંધું છું. (૧)  પુસ્તક કયા વર્ષમાં લખાયું ? (૨) પુસ્તક લખાતી વખતે એના લેખકની ઉંમર શી હતી ?- આ પ્રયોગની શરૂઆત ખુશવંતસિંઘની નવલકથા ‘The Company of Women’ થી થઇ. શરીરના પ્રત્યેક અંગને ઉત્તેજિત કરી દેતી આ નવલકથાને લખતી વખતે ખુશવંતસિંઘની ઉંમર ૮૬ વર્ષની હતી. શરીર તો ઠીક શરીરમાં વહેતું લોહી પણ શિથિલ થઇ ગયું હોય એ ઉંમરે આ માણસ સંભોગના દ્રશ્યો રચે અને એને વાંચતી વખતે સફેદ કાગળ પર બંધ લાઇટવાળો બેડરૂમ ઉભો થાય.શ્વાસમાં ક્યારેક ચાદરની સિલવટો અનુભવાય. એક ૮૬ વર્ષનો માણસ તમારા ૨૫-૨૭ કે ૨૯ વર્ષના જીવ પર,તમારા આવેગો અને વિચારો પર વાંચનની એ ક્ષણો પુરતો કબજો લઇ લે.

DSC01765

હાલ જ વંચાયેલી રધુવીર ચૌધરીની ‘અમૃતા’ સાથે પણ એ જ બને છે. એના અમુક અંશો જોઇ  લઇએ  પછી વિગતવાર વાત કરું…..

‘જેમાં કોઇના પ્રવેશનો નિષેધ હોય એવી મારી એકલતા નથી.’

‘જે કંઇક તોડી શક્યા છે એ જ સાચા ધાર્મિકો છે,બાકીના તો બધા ટીલાંટપકાંવાળા.’

‘હું તને એકવચનમાં સંબોધું અને તું આનંદ પૂર્વક સાંભળી રહે એનાથી મોટું સુખ મારા માટે બીજું શું ન હોય ?’

‘સહુની સાથે સમાધાન કરીને અને પોતાની સાથે બેવફા થઇને માણસે જીવન સામે આંખ આડા કાન કર્યા છે. આ કાયરતા છે….પોતાના પ્રશ્નોને ખુદ સમજીને એનો ઉકેલ શોધવાને બદલે,સ્વતંત્ર વિચાર કરવાનું પોતાનું દાયિત્વ છોડી દઇને બોધક કથાકીર્તનોનો આશ્રય લેનાર અંધશ્રધ્ધાની છાયામાં ભલે સુખી થાય, એ પરમ આત્મવંચક છે. કહેવાયેલું બધું જ માની લેવું એ બૌદ્ધિક પરાધીનતાનું લક્ષણ છે,બલ્કે એ બૌદ્ધિક પ્રવૃત્તિ પણ નથી.એ તો ગાડરિયો પ્રવાહ છે…….’

‘વેદના તો આપણી કરોડરજ્જુ છે.’

‘આપણે જેટલા દેખાઇએ છીએ અને જ્યાં દેખાઇએ છીએ,તેટલા અને ત્યાં જ પોતાને માનીએ છીએ.જે દેખી શકાતું નથી છતા હયાત છે તે સર્વત્ર અને શાશ્વત છે. આપણે આખરે તો એ જ છીએ.’

‘સમજદાર માણસના હાસ્ય-કટાક્ષના પેટાળમાં ગમગીનીનો એક સ્ત્રોત-ઓછામાં ઓછો એક સ્ત્રોત વહેતો હોય છે.’

‘આપણા સ્માજમાં ઉપકાર પણ એ રીતે થાય છે કે એમનાથી તો સ્વાર્થ વધુ  નિર્દોષ લાગે.’

‘સમજાવવું સહેલું છે,સમજવું અઘરું છે.’

મારે અહીં મૂળભૂત રીતે વાત એ કરવી છે કે આ નવલકથા સને ૧૯૬૫માં પ્રકાશિત થઇ હતી ! આજની પેઢીના વિચારોની બંડખોરી જ્યારે એનાથી ૫૦ વર્ષ અગાઉ એની જ માતૃભાષાનો કોઇ લેખક લખી ચૂક્યો હોય ત્યારે થાય…..પુસ્તકો જેવું સમયનું અનુસંધાન બીજું કોઇ નથી. ૫૦ વર્ષ અગાઉની આપણી નાયિકા પોતાની સ્વતંત્રતાને આરક્ષિત રાખવા પોતાનું ઘર છોડે છે.ઉપર જણાવેલા સંવાદોની ભાષા સહેજ બદલાય બાકી નિરીક્ષણ કરીએ તો સમજાય કે ૨૦૧૫ કે ૨૦૧૬ની કોઇ ગુજરાતી નવલકથાના આ ડાયલોગ હશે.

સ્વયમને સુઝેલા મારગને અપનાવવા બેરિસ્ટરનો કોટ ફેંકીને ધોતી અપનાવનારો પોરબંદરનો મોહનદાસ ગાંધી આપણને અપીલ નથી કરતો,‘તમાશા’નો વેદ આપણો આદર્શ બને છે. હેતુ અહીં ફિલ્મોની ટીકા કરવાનો નથી,સવાલ છે આપણી આસપાસ રહેલા જવાન ઉદાહરણોને ભોગે આપણે ઉછીના ઉત્સાહ શું કામ ખરીદીએ છીએ ? શીખવા મળતું હોય તો પોર્ન મુવીમાંથી પણ શીખી લેવાય,પણ કામસૂત્ર પણ વંચાય…કારણ કે એક ભારતીય તરીકે એ આપણી મૂળ પૂંજી છે. ‘કોહવાતા’ શિક્ષકો અને અભડાયેલા અભ્યાસક્રમોએ આપણને અમુક વિચારો આવવા જ ન દીધાં.અને આપણી ઉદારતા કે એ મામલે આપણને જાજો કોઇ રંજ પણ નથી.

બધું જ વંચાવું જોઇએ. જેના પ્રત્યે પૂર્વગ્રહ હોઇ એ તો ખાસ વંચાવું જોઇએ. આઝાદી અગાઉની હોય એ નવલકથાની ગુજરાતી આપણી પેઢીની ગુજરાતી કરતા અલગ હોય….પણ એને વાંચવાથી એ સમયમાં ડોકિયું કરી શકાય છે. ત્યારના સામાજિક આદર્શો અને સર્જકના એંગલને અનુભવી શકાય છે. ‘અમૃતા’ ન વાંચી હોત તો મને ક્યારેય ન સમજાત કે ફિલ્મો અને નવલકથામાં ખુબ ચર્ચાતો triangle નો concept  ૫૦ વર્ષ અગાઉ ગુજરાતમાં કેવો હતો ? જૂનું એટલે સોનું એ જેટલું અસત્ય છે એટલું જ અસત્ય છે જૂનું એટલે વાસી. ઓશો કહે છે આદિમ એટલે પ્રાચીન નહીં,આદિમ એટલે જેનો આરંભ જ નથી થયો અને જેનો અંત પણ નથી એવો કાળ. આદિમ એટલે beginningless.

હા,સમય સાથે ભાષા બદલતી હોય છે. ભાષાને ખુદને બદલાવું ગમતું હોય છે. એટલે જ કદાચ ઘણાં વર્ષો અગાઉની આપણી જ ભાષાની કૃતિઓ પ્રત્યે આપણે ઉદાસીન છીએ. પણ એમાં ડોકિયું કરવા જેવું છે. ઘણીવાર,આપણી સામેના દ્રશ્ય જેટલો જ મહત્ત્વનો હોય છે આપણી પીઠ પાછળનો વિસ્તાર.

‘અમૃતા’ ગુજરાતી ભાષાની પ્રેમકહાની છે. એમાં એ રસતત્વોનો વરસાદ છે જેમાં ભીંજાવા તમે અને હું આજકાલના સાહિત્યના આસમાન સામે મીટ માંડીને બેઠાં છીએ.

  • “ઓથાર “

સમીસાંજે બસની સીટ પર મુસાફરી કરતાં ,શિયાળાની અડધીરાતે બ્લેન્કેટ ઓઢીને,ઓફીસની રિસેસમાં,સવારમાં ઊઠતાવેંત વાસી મોઢે,હોસ્પીટલના બેડ પર,કોઇકની રાહ જોતી વખતે ડબલ સ્ટેન્ડ કરેલા બાઇક પર, આઠ કલાકની મુસાફરી કરીને રાતે સાડા ત્રણ વાગે ઘરે પહોંચીને…..ખબર નહીં ક્યાં ક્યાં અને કેવી કેવી અવસ્થામાં મેં ‘ઓથાર’ વાંચી છે.

15780644_1170771679667082_293477794895253931_n

એક નવલકથા-એક ગુજરાતી નવલકથા તમારા સમય, તમારા વિચાર અને તમારા અસ્તિત્વ પર રીતસરનો કબ્જો જમાવી લે ત્યારે એક ગુજરાતી વાચક તરીકે જાત અધ્ધર જતી અનુભવાય છે. અશ્વીની ભટ્ટની ‘ફાંસલો’ અને ‘આશકા માંડલ’ વાંચીને આ જ જગા પર મારે અન્ય અર્થમાં લખવું પડ્યું હતું કે આવી નવલકથાઓ પર ગુજરાતી ફિલ્મો ન બને તો એ આશ્ચર્ય અને અફસોસની વાત છે (જરૂરી નથી, પણ સાવ ડીંડક ફિલ્મ બને એના કરતાં કંઇક સારી ફિલ્મ બને એ સારું). ‘ઓથાર’ વિષે જાજું કંઇપણ બોલવા હું મને લાયક નથી માનતો. કારણ કે હું ‘ધ અશ્વિની ભટ્ટ’ વિષે જાજું કંઇ નથી જાણતો. એ હયાત હોત તો હું ગઇરાતે જ પાટનગરની ૭ ડિગ્રી ઠંડીને નજરઅંદાજ કરી એને મળવા દોડ્યો હોત એ ચોક્કસ….! અને એ હયાત નથી ત્યારે હું અનેક સવાલો અને અનુમાનોથી લદાયને ડામાડોળ થઇ રહ્યો છું. સેના બારનીશ મારી ચામડી પર ચોંટી ગઇ છે. સેજલસિંહ વીરહાન મારી સામે આયનો ધરી રહ્યો છે. ગ્રેઇસમાં મને મીરાં દેખાય છે. બાલીરામજીમાં પિતામહ ભીષ્મ, રાજેશ્વરીદેવીમાં કુંતી,યશોદા,કૈકેયીનો સંગમ ! આ પાત્રો સાથે મેં લાસ્ટ આખો મહીનો જીવ્યો છે. ઓતપ્રોત થવું માણસના અને નિસર્ગના સાંનિધ્યમાં જ હોય તો કાગળ પર છપાયેલા…કલ્પનાના કેરેક્ટર્સ….શબ્દોના આ પૂતળાઓ તમારા એકાંતમાં તમારી સાથે સંવાદ આદરે ત્યારે અનુભવાતી લાગણીને શું કહેવાય ?

આપણી ભાષાનો એક સમૃદ્ધ મુકામ ‘ઓથાર’ છે.
ગુજરાતી નવલકથા છાતી કાઢીને પોતાની વાત કરી શકે એવો રૂઆબદાર મોભો ‘ઓથાર’ છે.માર્ચ-૨૦૧૭ના અંત સુધીમાંં મેં વાંચેલી શ્રેષ્ઠ નવલકથા ‘ઓથાર’ છે.

રસનો પ્રકાર કોઇપણ હોય,નવલકથામાં ખૂબ જરૂરી છે રસ ટકી રહેવુ. વર્ણનો લાંબા હોય પણ રસપ્રદ ન હોય તો એમાં લંબાણની અનુભૂતિ થાય. અશ્વીની ભટ્ટની નવલકથાઓની ગમતી બાબત જ એ છે કે એ એના વાંચકની નાડ પારખે છે. એટલે એની તમામ નવલકથાઓમાં નાયિકાના દેહના,સ્થળની ભૌગોલિક પરિસ્થીતીના કે પાત્રોની ખૂબી કે અતીતના વર્ણનો ઊડીને હૈયે વળગે એવાં હોય. ખૂબ બારીક છણાવટ હોય પણ જરૂરી હોય એટલું જ હોય. સંદર્ભિત હોય. જે-તે પન્ને ક્યારેય વધારાનું વર્તાઇ પણ પછીના કોઇ પ્રકરણના દ્રશ્ય માટે અગત્યનું હોય.

ભારોભાર અભ્યાસ છલકતો હોય.અંગત નાતો બનાવી જાય એ રીતે વાસ્તવિક ભૂગોળ પર કલ્પનાઓના પાત્રોને દોરવામાં આવે. ચાહે ઘોડાઓની વાત થતી હોય કે જહાજોની,રાજદરબારોનો વ્યવહાર રજૂ થતો હોય કે લૂંટેરાંઓની માનસિકતાઓનો…….બધે જ સક્ષમ ગુજરાતી કલમનો અનુભવ થાય.

બીજી ભાષાની વાત તો પછી થાય, જેને નવલકથાઓ લખવી છે,ગુજરાતીમાં લખવી છે એ તમામ દોસ્તોએ આ મુદ્દે ધડો લેવા જેવો છે. આપણી ભાષામાં તાજેતરના ભૂતકાળમાં જ અશ્વીનીદાદાએ નવલકથાની દુનિયામાં એક સ્તર નક્કી કરી આપ્યું છે. એ સ્તરની કક્ષાની કે એથી ઊંચા દરજજાની નવલકથાઓ આવે એ જરૂરી છે.

હા, હું એવું માનું છું કે ક્યારેય કોઇ સર્જક અને સર્જનની અસરમાં ન આવવું. પણ હા, હું એવું પણ માનું છું કે જ્યાં વિના પ્રયાસે અને જાણ બહાર ‘વહી જવાતું’ હોય ત્યાં જીંદગીની ખરી મૌજ છુપાયેલી છે.

અશ્વિની સર, આભાર તો હું શું માનું…….પણ આપની ચેતનાને વંદન ! થેક્યુ….ધન્યતાની આ અનુભૂતિ માટે !

ઈશારો :-

વાંચન ક્યારેય શોખ ન હોઇ શકે. વાંચન કાં તો વ્યસન હોય કાં તો જરૂરિયાત હોય.

Advertisements

4 thoughts on “અમૃતા અને ઓથાર

  1. yeah true…મેં હજી હમણા જ ‘આશ્કા માંડલ’ પુરી કરી અને વાંચતી વખતે જ વિચાર્યુ હતુ કે આવી કોઇ ફિલ્મ બને તો જલસો પડી જાય..!othar is also great novel i hv evr read in gujarati language 🙂
    અને આર્ટિકલ પણ એટલો જ મસ્ત 🙂

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s