અમૃતા અને ઓથાર

  • “અમૃતા”

સજાગતા સાથેનું વાંચન સજ્જ કરે છે,કોઇપણ પ્રકારની જાગૃતિ વિના-નવરાં હોવાના નાતે વાંચવું હવે વાજબી નથી લાગતું. વાંચન અખબારી ઢબે ન થવું જોઇએ.વાંચન પ્રવાસની માફક પુરી મૌજથી થવું જોઇએ. હું કોઇપણ પુસ્તક શરૂ કરતાં પહેલાં બે બાબત ખાસ નોંધું છું. (૧)  પુસ્તક કયા વર્ષમાં લખાયું ? (૨) પુસ્તક લખાતી વખતે એના લેખકની ઉંમર શી હતી ?- આ પ્રયોગની શરૂઆત ખુશવંતસિંઘની નવલકથા ‘The Company of Women’ થી થઇ. શરીરના પ્રત્યેક અંગને ઉત્તેજિત કરી દેતી આ નવલકથાને લખતી વખતે ખુશવંતસિંઘની ઉંમર ૮૬ વર્ષની હતી. શરીર તો ઠીક શરીરમાં વહેતું લોહી પણ શિથિલ થઇ ગયું હોય એ ઉંમરે આ માણસ સંભોગના દ્રશ્યો રચે અને એને વાંચતી વખતે સફેદ કાગળ પર બંધ લાઇટવાળો બેડરૂમ ઉભો થાય.શ્વાસમાં ક્યારેક ચાદરની સિલવટો અનુભવાય. એક ૮૬ વર્ષનો માણસ તમારા ૨૫-૨૭ કે ૨૯ વર્ષના જીવ પર,તમારા આવેગો અને વિચારો પર વાંચનની એ ક્ષણો પુરતો કબજો લઇ લે.

DSC01765

હાલ જ વંચાયેલી રધુવીર ચૌધરીની ‘અમૃતા’ સાથે પણ એ જ બને છે. એના અમુક અંશો જોઇ  લઇએ  પછી વિગતવાર વાત કરું…..

‘જેમાં કોઇના પ્રવેશનો નિષેધ હોય એવી મારી એકલતા નથી.’

‘જે કંઇક તોડી શક્યા છે એ જ સાચા ધાર્મિકો છે,બાકીના તો બધા ટીલાંટપકાંવાળા.’

‘હું તને એકવચનમાં સંબોધું અને તું આનંદ પૂર્વક સાંભળી રહે એનાથી મોટું સુખ મારા માટે બીજું શું ન હોય ?’

‘સહુની સાથે સમાધાન કરીને અને પોતાની સાથે બેવફા થઇને માણસે જીવન સામે આંખ આડા કાન કર્યા છે. આ કાયરતા છે….પોતાના પ્રશ્નોને ખુદ સમજીને એનો ઉકેલ શોધવાને બદલે,સ્વતંત્ર વિચાર કરવાનું પોતાનું દાયિત્વ છોડી દઇને બોધક કથાકીર્તનોનો આશ્રય લેનાર અંધશ્રધ્ધાની છાયામાં ભલે સુખી થાય, એ પરમ આત્મવંચક છે. કહેવાયેલું બધું જ માની લેવું એ બૌદ્ધિક પરાધીનતાનું લક્ષણ છે,બલ્કે એ બૌદ્ધિક પ્રવૃત્તિ પણ નથી.એ તો ગાડરિયો પ્રવાહ છે…….’

‘વેદના તો આપણી કરોડરજ્જુ છે.’

‘આપણે જેટલા દેખાઇએ છીએ અને જ્યાં દેખાઇએ છીએ,તેટલા અને ત્યાં જ પોતાને માનીએ છીએ.જે દેખી શકાતું નથી છતા હયાત છે તે સર્વત્ર અને શાશ્વત છે. આપણે આખરે તો એ જ છીએ.’

‘સમજદાર માણસના હાસ્ય-કટાક્ષના પેટાળમાં ગમગીનીનો એક સ્ત્રોત-ઓછામાં ઓછો એક સ્ત્રોત વહેતો હોય છે.’

‘આપણા સ્માજમાં ઉપકાર પણ એ રીતે થાય છે કે એમનાથી તો સ્વાર્થ વધુ  નિર્દોષ લાગે.’

‘સમજાવવું સહેલું છે,સમજવું અઘરું છે.’

મારે અહીં મૂળભૂત રીતે વાત એ કરવી છે કે આ નવલકથા સને ૧૯૬૫માં પ્રકાશિત થઇ હતી ! આજની પેઢીના વિચારોની બંડખોરી જ્યારે એનાથી ૫૦ વર્ષ અગાઉ એની જ માતૃભાષાનો કોઇ લેખક લખી ચૂક્યો હોય ત્યારે થાય…..પુસ્તકો જેવું સમયનું અનુસંધાન બીજું કોઇ નથી. ૫૦ વર્ષ અગાઉની આપણી નાયિકા પોતાની સ્વતંત્રતાને આરક્ષિત રાખવા પોતાનું ઘર છોડે છે.ઉપર જણાવેલા સંવાદોની ભાષા સહેજ બદલાય બાકી નિરીક્ષણ કરીએ તો સમજાય કે ૨૦૧૫ કે ૨૦૧૬ની કોઇ ગુજરાતી નવલકથાના આ ડાયલોગ હશે.

સ્વયમને સુઝેલા મારગને અપનાવવા બેરિસ્ટરનો કોટ ફેંકીને ધોતી અપનાવનારો પોરબંદરનો મોહનદાસ ગાંધી આપણને અપીલ નથી કરતો,‘તમાશા’નો વેદ આપણો આદર્શ બને છે. હેતુ અહીં ફિલ્મોની ટીકા કરવાનો નથી,સવાલ છે આપણી આસપાસ રહેલા જવાન ઉદાહરણોને ભોગે આપણે ઉછીના ઉત્સાહ શું કામ ખરીદીએ છીએ ? શીખવા મળતું હોય તો પોર્ન મુવીમાંથી પણ શીખી લેવાય,પણ કામસૂત્ર પણ વંચાય…કારણ કે એક ભારતીય તરીકે એ આપણી મૂળ પૂંજી છે. ‘કોહવાતા’ શિક્ષકો અને અભડાયેલા અભ્યાસક્રમોએ આપણને અમુક વિચારો આવવા જ ન દીધાં.અને આપણી ઉદારતા કે એ મામલે આપણને જાજો કોઇ રંજ પણ નથી.

બધું જ વંચાવું જોઇએ. જેના પ્રત્યે પૂર્વગ્રહ હોઇ એ તો ખાસ વંચાવું જોઇએ. આઝાદી અગાઉની હોય એ નવલકથાની ગુજરાતી આપણી પેઢીની ગુજરાતી કરતા અલગ હોય….પણ એને વાંચવાથી એ સમયમાં ડોકિયું કરી શકાય છે. ત્યારના સામાજિક આદર્શો અને સર્જકના એંગલને અનુભવી શકાય છે. ‘અમૃતા’ ન વાંચી હોત તો મને ક્યારેય ન સમજાત કે ફિલ્મો અને નવલકથામાં ખુબ ચર્ચાતો triangle નો concept  ૫૦ વર્ષ અગાઉ ગુજરાતમાં કેવો હતો ? જૂનું એટલે સોનું એ જેટલું અસત્ય છે એટલું જ અસત્ય છે જૂનું એટલે વાસી. ઓશો કહે છે આદિમ એટલે પ્રાચીન નહીં,આદિમ એટલે જેનો આરંભ જ નથી થયો અને જેનો અંત પણ નથી એવો કાળ. આદિમ એટલે beginningless.

હા,સમય સાથે ભાષા બદલતી હોય છે. ભાષાને ખુદને બદલાવું ગમતું હોય છે. એટલે જ કદાચ ઘણાં વર્ષો અગાઉની આપણી જ ભાષાની કૃતિઓ પ્રત્યે આપણે ઉદાસીન છીએ. પણ એમાં ડોકિયું કરવા જેવું છે. ઘણીવાર,આપણી સામેના દ્રશ્ય જેટલો જ મહત્ત્વનો હોય છે આપણી પીઠ પાછળનો વિસ્તાર.

‘અમૃતા’ ગુજરાતી ભાષાની પ્રેમકહાની છે. એમાં એ રસતત્વોનો વરસાદ છે જેમાં ભીંજાવા તમે અને હું આજકાલના સાહિત્યના આસમાન સામે મીટ માંડીને બેઠાં છીએ.

(more…)

Advertisements