‘મારે લગ્ન શા માટે કરવા છે ?’

             ઉંમરને અનુલક્ષીને મારી સામે સતત ઘા થતો સવાલ ‘લગ્ન’નો હોય છે. “હવે લાડવા કે’દિ ખવડાવો છો,બાપુ !” “અલ્યા,બધાં પરણી ગ્યાં…હવે તો હલો…કે પછી કવિતાયું જ લખ્યાં કરવી છે?”, “ભાઇ,હવે પરણી જા, અટાણે લકઝરી મળશે…બે-ચાર વર્ષ પછી છકડો ય નય મળે !!!”                            568b68eb9ec6680af0318aca              દોસ્તો સળી કરે એ ચુભતી નથી,ગલગલીયા કરે છે પણ આ કહેવાતા સગા અથવા સંબંધીઓ મને પહેલેથી જ લુખ્ખાં,બિનઅંગત અને બદદિમાગ અશુભચિંતકો લાગ્યા છે. પ્રત્યેક વ્યક્તિને ઉંમરના પચ્ચીસમાં વર્ષે એ સવાલ થવો જોઇએ કે મારે લગ્ન શા માટે કરવા છે ?” એ માટેના એની પાસે ક્લીયર અને સચોટ કારણો હોવાં જરૂરી નહીં,અનિવાર્ય છે.મમ્મીની તબિયત હવે સારી નથી રહેતી માટે, હવે ભાઇ ભાંડુઓમાં પોતાનો નંબર આવ્યો છે માટે,નોકરી મળી ગઇ છે માટે,હવે લગ્ન કરવાની ઉંમર થઇ ગઇ છે માટે,  ઘર સચવાય એ માટે અથવા તો હવે સેક્સની ચુલ ઉપડી છે માટે – આ પૈકીના અગર કોઇપણ કારણથી કોઇ લગ્ન કરતું હોય તો હું જાહેરમાં કહું છું ‘એ મૂરખનો સરદાર છે.’

           લગ્ન કરવાની તાલાવેલી હોવી જોઇએ. એક સાવ નવી વ્યક્તિ અને એના વ્યક્તિત્વને સાચવી અને સુરક્ષિત રાખી શકવાની જવાબદાર તૈયારી હોવી જોઇએ. એવું લાગે કે હા, એ વ્યક્તિના તમામ ગમા- અણગમા,જીદ,રિસામણાં,ફરમાઇશો, ખર્ચા,શોખ,આદતો, ગુસ્સા અને ખાસ તો ‘એના સગા અને સબંધીઓ’ને જેલવાની અને જીરવવાની મારી તૈયારી છે તો અને માત્ર તો જ લગ્નની ચપ્પલ પહેરાઇ, બાકી કુંવારા પગે ચાલવું કશું ખોટું નથી. બીજાના ધક્કાથી અને કહેવાથી સાયન્સ,કોમર્સ કે આર્ટસનો પ્રવાહ નક્કી થાય, જીંદગીના સર્વોત્તમ વળાંકનો નિર્ણય ગામને પુછીને ન કરવાનો હોય. કમ માં કમ આ નિર્ણય તો ખુદના તબક્કેથી જ હોવો જોઇએ. અને આપણે સતત જોઇએ છીએ કે મને-કમને, થોડીક જ પોતાની ઇચ્છા અને બાકી પરિવારની વાતોમાં આવીને થયેલા લગ્નોના જ્યારે શરૂઆતમાં બિસ્તર પર, પછી પાંચ માણસની વચ્ચે અને ત્યારબાદ મહોલ્લા વચ્ચે તાયફાં થાય છે ત્યારે પેલાં કહેવાતાં વચેટીયા કે ગામ સલાહો સિવાય કશું જ આપી કે દઇ શકતાં નથી….જુઠ્ઠું દુખ વ્યક્ત કરવા મોં ગંભીર કરીને બે-ચાર વાર આપણા ઘરની મુલાકાત લે છે અને પછી સરકારના વાયદાઓની માફક ફુર્રર્રર્ર……બેજવાબદાર બદમાશો !         

 લગ્ન સ્વયં એક સુંદર શિક્ષણ છે, બહેતર ઇન્સાન બનાવતો યુવાનીનો એક જવાબદાર પડાવ ! લગ્ન સંસ્થા અમસ્તી જ નથી કહેવાતી. પણ હવે એક સરકસ થઇ ગયું છે, દેખાડો,દંભ અને અદેખાઇના જાણે બદલા લેવાઇ છે લગ્નના બહાને !

       હિંદુસ્તાનમાં લગ્ન એખુટે નહીં એવી દલીલાત્મક ચર્ચા છે. એટલે જાજું નથી કહેતો, ફક્ત એક દરખાસ્ત મુકું છું…..ઉંમરના પચ્ચીસમાં વર્ષના મુકામે લગ્નને લઇને બહુ બબાલો ઉભી થશે…. તમે તમારા તબક્કે ક્લીર રહેજો કે મારે લગ્ન શા માટે કરવા છે ?’ જવાબ જાયઝ મળે તો જ કોઇકની ઉમ્મીદો અને અપેક્ષાઓને સપના બતાવજો.નહીંતર રહેવા દેજો. તમારાં પરણવા કે ન પરણવાથી દુનિયાની ભૂગોળમાં કોઇ મોટો ફેરફાર થવાનો નથી.

ઇશારો

વ્યક્તિ પાસે અવાજ હોય છે,

ટોળાં પાસે તો ફક્ત ઘોંઘાટ જ હોય છે !

Advertisements